દરેક મહિનાની શરુઆત થતા જ દેશમાં ચીજવસ્તુઓના ભાવમાં અથવા તો નિયમોમાં ફેરફાર આવતા હોય છે. ત્યારે જુલાઈ મહિનો પૂરો થયો છે અને ઑગસ્ટ 2024ની શરૂઆત થઇ છે. આજથી દેશમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે જેની સીધી અસર તમારા ઘરના રસોડામાં તમારા ખિસ્સા પર પડી શકે છે. તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ આવા જ 5 મોટા ફેરફારો વિશે…
પ્રથમ બદલાવ : ફાસ્ટેગ KYC જરુરી
1 ઓગસ્ટથી દેશભરમાં ફાસ્ટેગના નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. જેથી 1 ઓગસ્ટથી ડ્રાઈવરે ફાસ્ટેગ કેવાયસી ફરજિયાત કરાવવું પડશે. નવા નિયમ હેઠળ જો ફાસ્ટેગ ત્રણથી પાંચ વર્ષ જૂનું છે, તો તમારે તમારું KYC અપડેટ કરાવવું પડશે. અને જો પાંચ વર્ષથી વધુ જૂનું ફાસ્ટેગ હશે તો 31 ઓક્ટોબર પહેલા બદલવું પડશે.
બીજો બદલાવ – ITR પર હવે પેનલ્ટી લાગશે
બુધવારે આવકવેરા રિટર્ન ભરવાનો છેલ્લો દિવસ હતો. જો તમે ITR ફાઈલ નથી કરી શક્યા તો આજથી હવે તમારે પેનલ્ટી ભરવી પડશે. નિયમો પ્રમાણે પાંચ લાખથી વધારે આવક ધરાવતા લોકોએ હવે ITR ફાઈલ કરવા પર 1 હજારથી લઈને 5 હજાર સુધીનો દંડ ભરવો પડશે.
ત્રીજો બદલાવ – HDFC બેંક ક્રેડિટ કાર્ડ
1 ઓગસ્ટની તારીખ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક, HDFC બેંક ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓ માટે પણ ફેરફારો લાવી રહી છે. ખરેખર, જો તૃતીય પક્ષ એપ્લિકેશન્સ CRED, Paytm, Mobikwik, Freecharge અને અન્ય દ્વારા HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચુકવણી કરવામાં આવે છે, તો તે વ્યવહાર પર 1% ચાર્જ લાગશે અને પ્રતિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા 3,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફયુલ ટ્રાન્ઝેક્શન પર 15,000 રૂપિયાથી ઓછા વ્યવહારો માટે કોઈ વધારાના શુલ્ક લાગશે નહીં, જો કે, 15,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર કુલ રકમ પર 1% ચાર્જ લાગશે.
ચોથો બદલાવ – ગૂગલ મેપ ચાર્જ
ગૂગલ મેપ પણ 1 ઓગસ્ટ, 2024થી ભારતમાં તેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. જે પહેલી તારીખથી સમગ્ર દેશમાં લાગુ થવા જઈ રહી છે. હકીકતમાં, વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિને ભારતમાં તેની ગૂગલ મેપ સર્વિસના ચાર્જીસ 70 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે. આ સિવાય હવે ગૂગલ તેની મેપ સર્વિસ માટે પણ ડોલરને બદલે ભારતીય રૂપિયામાં પેમેન્ટ લેશે.
પાંચમો બદલાવ – 13 દિવસની બેંક રજા
જો ઓગસ્ટ મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ હોય તો ઘર છોડતા પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરાયેલ બેંક હોલીડે લિસ્ટ જોઈ લો. વાસ્તવમાં, ઓગસ્ટ બેંક હોલીડે લિસ્ટ મુજબ, આખા મહિનામાં 13 દિવસ બેંકોમાં કોઈ કામ નહીં થાય. રક્ષાબંધન, જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસ જેવા વિવિધ પ્રસંગોને કારણે બેંકોમાં રજા રહેશે. આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે.