દવા કંપનીનું નામ લખીને દર્દીને પ્રિસ્ક્રિપ્શન નહીં આપવાના સરકારના નિયમનો સિવિલમાં ખુલ્લેઆમ ઉલાળિયો
ગરીબ દર્દીઓ તો ડૉક્ટરોને
ભગવાન’ ગણતાં હોય તેમણે લખેલું લખાણ પથ્થરની લકીર' માનીને પૈસાથી દવા ખરીદવા મજબૂર પેટા: દિવાળી નજીક આવતી હોય
બોણી’ કરવા માટે ચોક્કસ કંપનીની દવા લખવામાં આવી રહી છે-જાણકારોનો ટોણો
જો આવી રીતે જ ચાલશે તો પછી સિવિલમાં પણ ખાનગી હોસ્પિટલની માફક દર્દીઓ ખંખેરાતાં જ રહેશે
રાજકોટની સિવિલ હોસ્પિટલ…આ શબ્દ સાંભળવા મળે એટલે દર્દીઓના રૂંવાટા તો ઉભા થઈ જ જાય છે સાથે સાથે પરિવારજનોના શ્વાસ પણ અધ્ધર ચડી જાય છે ! આવું એટલા માટે કેમ કે સિવિલમાં દાખલ થનારા દર્દીની સાથે જ તેના પરિવારજનની રઝળપાટનો કોઈ જ પાર રહેતો હોતો નથી. સિવિલનું જડ તંત્ર સુધારવા માટે આમ તો અનેક વખત પ્રયાસો કરાયા છે પરંતુ તેમાં કોઈ જ પ્રકારનો સુધારો લપોડશંખ' જેવા અધિકારીઓ લાવી શક્યા નથી. સિવિલમાં આમ તો ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ જ સારવાર માટે આવતા હોય છે પરંતુ અહીં પણ તેમના ગજવા ખાલી થઈ જાય તેવી
કરામત’ ચાલી રહ્યાનું ધ્યાન પર આવ્યું છે. સામાન્ય રીતે સરકારી હોસ્પિટલના તબીબ દ્વારા કોઈ પણ દર્દીને બ્રાન્ડનેઈમ' મતલબ કે દવાની કંપનીના નામ સાથે પ્રિસ્ક્રિપ્શન લખી આપવાની મનાઈ હોય છે પરંતુ સિવિલમાં આ નિયમને ઘોળીને પી જવામાં આવ્યો છે.
વૉઈસ ઑફ ડે’ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં સિવિલ હોસ્પિટલના એક તબીબ દ્વારા દર્દીને ફાઈલની પાછળ બ્રાન્ડનેઈમ' સાથે
ઝીરોડોલ એમઆર ટેબ (આઈપીસીએ)’ નામની ટેબ્લેટ લખી દેવામાં આવી હતી. આ દવાનો ઉપયોગ સ્નાયુઓના દુ:ખાવા માટે કરવામાં આવતો હોય છે. હવે નિયમનો અહીં જ ઉલાળિયો કરવામાં આવ્યો છે કેમ કે વર્ષો પહેલાં સરકાર દ્વારા જ પરિપત્ર પ્રસિદ્ધ કરીને તમામ સરકારી હોસ્પિટલોને આદેશ અપાયો હતો કે તેના દ્વારા કોઈ પ્રકારની ચોક્કસ દવાના નામ સાથે દર્દીઓને આપી શકાશે નહીં અને જો આમ થશે તો ડૉક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે.
સામાન્ય રીતે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને આ નિયમ અંગે જાણકારી હોતી નથી અને તેઓ તો સારવાર કરનારા ડૉક્ટરને ભગવાન' માનતા હોવાથી તેના દ્વારા જે દવા લખી આપવામાં આવી તેને પથ્થરની લકીર ગણીને બહારથી પણ ખરીદી કરી લેતા હોય છે. જો કે આ વસ્તુ બિલકુલ વ્યાજબી ન હોવાનું જાણકારો જણાવી રહ્યા છે સાથે સાથે એવો ટોણો પણ મારી રહ્યા છે કે દિવાળી નજીક આવી રહી છે એટલા માટે
બોણી’ના ભાગરૂપે દવા કંપનીઓને ખુશ કરવા માટે કદાચ આ `કામગીરી’ શરૂ કરવામાં આવી હોય તેવું પણ બની શકે છે !!
જો કે આ સિલસિલો બંધ થવો જોઈએ નહીંતર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવનારા દર્દીઓ પણ અન્ય હોસ્પિટલોની માફક લૂંટાતાં જ રહેશે અને ડૉક્ટરો જેમ કહે તેમ અને લખી આપે તે રીતે બહારથી દવા ખરીદીને ખર્ચ કરતાં જ રહેશે…
શા માટે સરપ્રાઈઝ ચેકિંગ કરાતું નથી ?
જાણકારોએ એમ પણ જણાવ્યું કે સિવિલના તબીબો દ્વારા જે દવા લખવામાં આવી રહી છે તે નિયમ પ્રમાણે જ લખાઈ રહી છે, બહારની કોઈ દવા લખાઈ રહી છે કે કેમ, કોઈ દવાને બ્રાન્ડનેમ સાથે લખવામાં આવી રહી છે ? તે સહિતના મુદ્દે હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા શા માટે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવતું નથી ? શું અધિકારીઓની પણ આમાં મીલીભગત હશે કે પછી તેમને આવી નાની-નાની બાબતો અને દર્દીઓ લૂંટાતાં હોય તો લૂંટાવા દો માનીને ચેકિંગ કરવામાં રસ નહીં હોય ?
શું સિવિલ પાસે પેટના દુ:ખાવા-વા સહિતની બીમારીની દવા પણ નથી ?
રિયાલિટી ચેકમાં એવું પણ ધ્યાન પર આવ્યું કે અનેક દર્દીઓ વા, પેટના રોગ, અલ્સર, નાકના ટીપા, શરીરના દુ:ખાવા સહિતની દવાઓ મેડિકલ પરથી ખરીદી કરી રહ્યા હતા. આ દવાઓની કિંમત ૬૦ રૂપિયાથી લઈ ૪૦૦ રૂપિયા સુધી થઈ રહી હતી ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે શું સિવિલ હોસ્પિટલ પાસે આ બીમારીઓની દવા પણ નહીં હોય કે જેથી તે દર્દીઓને વિનામૂલ્યે આપી શકે ? આમ તો આ દવાઓ જેનેરિક ગણવામાં આવી રહી છે એટલા માટે બજારકિંમત કરતાં સસ્તી કિંમતે મળે છે પરંતુ શા માટે દર્દીઓ સામાન્ય બીમારીની દવાઓ કે જે સિવિલમાં મફતમાં મળી શકતી હોવા છતાં મેડિકલમાંથી ખરીદવા માટે મજબૂર બને ?
બ્રાન્ડનેમ' સાથે દવા બિલકુલ ન લખી શકાય, કાર્યવાહી કરાશે આ અંગે સિવિલ અધિક્ષક ડૉ.આર.એસ.ત્રિવેદીનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સિવિલના કોઈ જ તબીબ
બ્રાન્ડનેમ’ સાથે દવા લખી શકતા નથી અને આમ કરવું નિયમ વિરુદ્ધનું કામ છે એટલા માટે તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
દવાબારી પરથી ૧૦માંથી ૮ દર્દીઓને મેડિકલ તરફ દોડાવાય છે !
જાણવા મળ્યા પ્રમાણે સિવિલ હોસ્પિટલની દવાબારી કે જે દર્દીઓથી ઉભરાઈ રહી હતી ત્યાં ૧૦માંથી ૮ દર્દીઓ એવા હતા જેમને તબીબે લખેલા પ્રિસ્ક્રિપ્શનમાંથી પૂરેપૂરી દવા મળી જ રહી ન્હોતી અને બાકી રહેલી દવાઓ તેમણે નાછૂટકે મેડિકલમાંથી જ ખરીદ કરવી પડતી હતી ત્યારે શું સિવિલ હોસ્પિટલ પાસે તમામ પ્રકારની દવાનો સ્ટોક નહીં હોય ?