વોટ ફોર કેશ કાંડ : રાહુલ ગાંધી ,ખડગે અને સુપ્રિયા સુલેને ૧૦૦ કરોડની માનહાનીની નોટિસ
ભાજપના નેતા વિનોદ તાવડેએ મોકલી કાનુની નોટિસ : માફી માગો અથવા કેસનો સામનો કરો
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન પૈસાની વહેંચણીના આરોપોથી ઘેરાયેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પ્રવક્તા સુપ્રિયા સુલે ઉપર ૧૦૦ કરોડ રૂપિયાની માનહાનીની નોટિસ મોકલી છે અને આ સંદર્ભે કાનૂની નોટિસ મોકલી છે. કાનૂની નોટિસમાં તાવડેએ કહ્યું છે કે મારા પર લાગેલા આરોપોના પુરાવા આપો અથવા તમે ત્રણેય માફી માગો. તાવડેના જણાવ્યા અનુસાર, માફી નહીં માંગવા પર કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે.
વિનોદ તાવડેએ કહ્યું છે કે હું 40 વર્ષથી રાજકારણમાં છું અને આજ સુધી મારા પર કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો. મેં આખી જિંદગી સાદગી સાથે રાજકારણ કર્યું છે. તે દિવસની ઘટના અંગે મારા પરના આક્ષેપો ખોટા છે.
તાવડેએ તેમની નોટિસમાં કહ્યું છે કે ખોટા આરોપો દ્વારા મારી છબીને ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેથી કૃપા કરીને તે બાબતોના પુરાવા આપો અથવા માફી માગો. આમ કરવામાં નિષ્ફળતા પર રૂ.100 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 18 નવેમ્બરના રોજ વિનોદ તાવડે નાલાસોપારા વિધાનસભાના વિરારની એક હોટલમાં બેઠા હતા. આ દરમિયાન બહુજન વિકાસ આઘાડીના સ્થાનિક ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુર ત્યાં પહોંચ્યા હતા. ઠાકુર અને તેમના સમર્થકોનો આરોપ છે કે તાવડે હોટલમાં પૈસા વહેંચી રહ્યા હતા. આ દરમિયાન ઠાકુરના સમર્થકોએ તાવડેને ઘેરી લીધા હતા.
આ પછી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ વિનોદ તાવડેને લઈને વાયરલ થયેલા વીડિયો પર સવાલો ઉઠાવ્યા હતા. સવાલ ઉઠાવતા રાહુલે પૂછ્યું હતું કે આ પૈસા કયા સેફ હાઉસમાંથી આવ્યા છે? ખડગેએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે 5 કરોડની વહેંચણી કરનારા બીજેપી નેતાઓ સામે કાર્યવાહી કેમ નથી થઈ રહી? આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.