રોનાલ્ડોએ માત્ર 90 મિનિટમાં યુ-ટ્યુબ પર તોડ્યા તમામ રેકોર્ડ
પહેલી વખત બન્યું આવું: એક જ દિવસમાં ગોલ્ડન બટન પણ મળી ગયું !
પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફૂટબોલમાં તો તમામ રેકોર્ડ તોડતો જ આવ્યો છે. હવે રમતની બહાર પણ તેણે એક ખાસ રેકોર્ડ બનાવી નાખ્યો છે. રોનાલ્ડોએ તાજેતરમાં જ પોતાની એક યુ-ટ્યુબ ચેનલ લોન્ચ કરી હતી જેની જાણકારી તેણે સોશ્યલ મીડિયા પર આપી હતી. તેણે યુ-ટયુબ પર સૌથી ઝડપી ૧ મિલિયન સબસ્ક્રાઈબરનો રેકોર્ડ તોડ્યો હતો. તેના ૧ મિલિયન (૧૦ લાખ) સબસ્ક્રાઈબર્સ માત્ર ૯૦ મિનિટમાં જ થઈ ગયા છે. રોનાલ્ડોની એ યુ-ટ્યુબ ચેલન ઉપર અત્યારે એક કરોડથી વધુ સબસ્ક્રાઈબર્સ નોંધાયા છે.
સોશ્યલ મીડિયા ઉપર પણ ક્રિસ્ટિયાનોનો જબરદસ્ત ચાહકવર્ગ છે. ટવીટર પર તેના ૧૧૨.૫ મિલિયન ફોલોઅર્સ, ફેસબુક ઉપર ૧૭૦ તો ઈન્સ્ટાગ્રામ ઉપર રોનાલ્ડોના ૬૩૬ મિલિયન ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર અન્ય કોઈના પણ રોનાલ્ડો જેટલા ફોલોઅર્સ નથી. રોનાલ્ડો અત્યારે અલ નાસર ક્લબ માટે સઉદી પ્રો-લીગમાં રમી રહ્યો છે. તાજેતરમાં જ તે યૂરો કપ-૨૦૨૪માં પોર્ટુગલ વતી રમતો જોવા મળ્યો હતો. જો કે ટીમને ચેમ્પિયન બનાવી શક્યો ન્હોતો. રોનાલ્ડોનું કરિયર હવે અંતિમ તબક્કામાં છે.