માર્ગ અકસ્માતના પીડિતોને મળશે કેશલેસ સારવાર : દેશભરમાં લાગુ થઈ આ યોજના, આટલા રૂપિયાનો થશે ફાયદો
દેશભરમાં રોડ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જેમાં અનેક લોકો મૃત્યુ પામે છે તો ઇજાગસ્તોનો આંકડો પણ મોટો હોય છે ત્યારે કેન્દ્ર સરકારે દેશભરમાં માર્ગ અકસ્માતના પીડિતો માટે 1.5 લાખ રૂપિયાની કેશલેસ સારવાર યોજનાની જાહેરાત કરી છે. અગાઉ, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે સરકાર ટૂંક સમયમાં આવી યોજના લઈને આવશે. ત્યારે હવે દેશભરમાં કેશલેસ ટ્રીટમેન્ટ યોજના શરૂ કરવામાં આવી છે જેનો લાભ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મળશે.
મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે
કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો અને તેમના પરિવારો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે મંગળવારે દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજનાની જાહેરાત કરતું જાહેરનામું બહાર પાડ્યું. માર્ગ પરિવહન મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, આ યોજના હેઠળ, પીડિત અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી કોઈપણ માન્ય હોસ્પિટલમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મેળવી શકે છે.
કેન્દ્ર સરકારના જાહેરનામા મુજબ, “કોઈપણ વ્યક્તિ જે કોઈપણ રસ્તા પર મોટર વાહનને કારણે થયેલા માર્ગ અકસ્માતનો ભોગ બને છે તે આ યોજનાની જોગવાઈઓ હેઠળ રોકડ રહિત સારવાર માટે હકદાર રહેશે.” ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ (NHA) આ યોજનાને અમલમાં મૂકવા માટે રાજ્ય પોલીસ, હોસ્પિટલો અને રાજ્ય આરોગ્ય એજન્સી સાથે મળીને કામ કરશે.