એક જ દિમાં 140 કરોડ ‘છૂટા’ કરતી RMC: કોન્ટ્રાક્ટરોના બાકી બિલના 100 કરોડ, 4 હજારથી વધુ કર્મીઓને બોનસ, ડીએ, સહિતનું 40 કરોડનું ચૂકવણુ
દિવાળીનો તહેવાર આવે એટલે બજારમાં ‘ઉઘરાણી’ શરૂ થઈ જતી હોય છે ત્યારે આ પર્વમાં રોકડનો મોટાપાયે પ્રવાહ બજારમાં જોવા મળતો હોય છે. ખાસ કરીને આખું વર્ષ રાજકોટ મહાપાલિકાના વિવિધ કોન્ટ્રાક્ટ મેળવી કામ કરનારા કોન્ટ્રાક્ટરો પણ દિવાળી પૂર્વે તેમનું બિલ પાસ થઈ જાય તે માટે પર્વ અગાઉથી જ કચેરીના પગથીયા ઘસવાનું શરૂ કરી દેતા હોય છે ત્યારે આ વર્ષે પણ તંત્ર દ્વારા અનેક કોન્ટ્રાક્ટરને બિલ પેટે 100 કરોડ તેમજ કર્મચારીઓને બોનસ સહિતના પેટે 40 કરોડ ચૂકવી એક જ દિ’માં 140 કરોડ રૂપિયા ‘છૂટા’ કરાયા હોવાનું જાણવા મળ્યું હતું.
મહાપાલિકા દ્વારા ઝોનલ સહિતના અનેક કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે ત્યારે સામાન્ય રીતે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈવાર ઉઘરાણી કરવામાં આવતી નથી પરંતુ દિવાળી પર્વ આવે એટલે કોન્ટ્રાક્ટરો ઉઘરાણી કરે તે પહેલાં જ તંત્ર આગોતરી તૈયારી કરી પૈસા ચૂકવવા માટે સજ્જ બની જતું હોય આ વર્ષે પણ એક જ દિવસમાં 100 કરોડનું ચૂકવણું કરી દીધું છે અને દિવાળીની રજા પડે તે પૂર્વે વધુ 25 કરોડની ચૂકવણી કરવામાં આવશે. આ જ રીતે મહાપાલિકામાં ફરજ બજાવતા ચાર હજારથી વધુ કર્મચારીઓને રાજ્ય સરકારની સુચના મુજબ બોનસ, એડવાન્સ પગાર, ડીએ, એરિયર્સ સહિતનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે જે પેટે 40 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું જાણવા મળ્યું હતું.
