બાપ્પાના દર્શનમાં અમીર-ગરીબનો ભેદભાવ !! મુંબઈના ‘લાલ બાગ ચા રાજા’ ગણેશ પંડાલનો વિડીયો વાયરલ
હાલ સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતના દરેક લોકો ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે તેમાં પણ અનેક સ્થળોએ પંડાલમાં વિવિધ થીમ પર શણગાર કરવામાં આવ્યો છે. વાત કરીએ મુંબઈની તો ત્યાં લાલ બાગ ચા રાજાનું અનેરું મહત્વ છે. સામાન્ય માણસોથી લઈને બૉલીવુડના સેલિબ્રિટી પણ અહી દર્શનાર્થે આવતા હોય છે ત્યારે લાલ બાગ ચા રાજા ગણેશ ઉત્સવનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાપ્પાના દર્શનમાં અમીર-ગરીબનો ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો લોકો મુંબઈમાં લાલબાગના રાજાના દર્શન કરવા આવી રહ્યા છે. લાલ બાગના રાજાના દરબારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે અહીં VVIPને સન્માન આપવામાં આવે છે અને સામાન્ય લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે.
શું છે વાયરલ વીડિયોમાં ?
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક તરફ VVIP લોકો દર્શન કરી રહ્યાં છે તો બીજી તરફ સામાન્ય લોકો દર્શન કરી રહ્યાં છે. VVIP તરફ કોઈ ભીડ નથી કે ધક્કા મારીને હટાવવામાં આવી રહી છે, પરંતુ જ્યાં સામાન્ય લોકો દર્શન કરી રહ્યા છે ત્યાં લોકો યોગ્ય રીતે માથું પણ નમાવી શકતા નથી. બાપાની સામે પહોંચતા જ તેને દૂર ધકેલી દેવામાં આવ્યો.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે બાપ્પા પાસે એક છોકરી ઉભી છે, જે સામાન્ય લોકોને બાપ્પા સામે માથું મૂકતા જ દૂર ધકેલતી હોય છે. બીજી તરફ, વીવીઆઈપી આરામથી ઉભા છે અને તેમના ફોટા ક્લિક કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને લોકો ભેદભાવનો આરોપ લગાવી રહ્યા છે અને તેની નિંદા કરી રહ્યા છે.