શિમલામાં ગેરકાયદે મસ્જિદ સામે હજારોનું વિરોધ પ્રદર્શન : લોકોએ બેરીકેડ તોડી નાખ્યા, પોલીસે લાઠીચાર્જ કરતાં અનેક ઘાયલ
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં બુધવારે ભારે હંગામો થયો હતો. હિંદુ સંગઠનોએ ફરી એકવાર શિમલાના સંજૌલીમાં મસ્જિદ (સંજૌલી મસ્જિદ વિવાદ)ના ગેરકાયદેસર બાંધકામ સામે મોટો વિરોધ કર્યો હતો. અહીં પોલીસે સંજૌલીથી ધોળી સુધીનો રસ્તો બંધ કરી દીધો હતો. જો કે દેખાવો હિંસક બની ગયા હતા. હજારો પ્રદર્શનકારીઓએ પોલીસના બેરિકેડ તોડી નાખ્યા અને જ્યારે સંજૌલીની મસ્જિદ તરફ ભીડ વધવા લાગી ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. બપોર બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.
વિરોધ પ્રદર્શનમાં સેંકડો મહિલાઓ પણ જોડાઈ ગઈ હતી. વંદે માતરમનો નાદ ગુંજી ગયો હતો. શહેરમાં ભારે ટેન્શનનો માહોલ છવાઈ ગયો હતો. બપોર બાદ વિરોધ કરી રહેલા લોકોને હટાવવામાં આવ્યા હતા અને રસ્તા ખુલ્લા કરી દેવાયા હતા. પોલીસે મેઇન દેખાવકારોની અટકાયત કરી હતી. બબાલ થયા બાદ 10 હજાર જેટલા પોલીસમેન શહેરમાં ગોઠવી દેવાયા હતા.
મળતી માહિતી મુજબ, શિમલા પોલીસે સંજૌલીની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પ્રદર્શનનો સમય 11 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે કેટલીક દુકાનો બંધ કરાવી અને અન્ય લોકોને હટાવ્યા હતા. હિન્દુ નેતા કમલ ગૌતમ સંજૌલી ચોક પહોંચ્યા હતા. પરંતુ પોલીસે તેમની સાથે તેમના સમર્થકોની અટકાયત કરી હતી.
આ પછી પોલીસે ધારી બાજુથી બંને સુરંગ બંધ કરી દેતાં પ્રદર્શનકારીઓ ધારી શાક માર્કેટમાં રોડ પર બેસી ગયા હતા અને વિરોધ શરૂ કર્યો હતો. આ પછી પ્રદર્શનકારીઓ અહીંથી આગળ વધ્યા અને પછી બેરિકેડ તોડી નાખ્યા હતા. ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.
ભાજપે બળપ્રયોગનો વિરોધ કર્યો
દરમિયાનમાં વિરોધ કરતાં લોકો પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાજપ દ્વારા આ પગલાંનો વિરોધ કરાયો હતો અને લોકોને અભિવ્યક્તિની આઝાદી મળી નથી તેમ કહ્યું હતું. જો કે હિમાચલનાં મંત્રી વિક્રમાદિત્યએ એમ કહ્યું હતું કે લોકોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવો જોઈએ. કાયદો તેનું કામ કરે છે.