બોર્ડ પરીક્ષાના એક જ મહિનામાં પરિણામ: મૂલ્યાંકન કામગીરી શરૂ
શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં 504 મૂલ્યાંકન કેન્દ્ર પર 75 હજાર જેટલા શિક્ષકોના ઓર્ડર કરાયા
રાજકોટ : લોકસભા ચૂંટણીને પગલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામો વહેલા જાહેર કરી દેવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. ઉત્તરવહી મૂલ્યાંકન માટે વધારાના સ્ટાફની ફાળવણી કરી છે અને સંભવતઃ પરીક્ષા પૂર્ણ થતા જ એક જ મહિનામાં વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપી દેવામાં આવશે. વહેલા પરિણામો જાહેર કરવા શનિવારથી મૂલ્યાંકન શરૂ કરવાંમાં આવ્યું છે.શિક્ષણબોર્ડે આ વર્ષે 71 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો અને અંદાજે 7 હજાર જેટલા વધારાના ચેકીંગ સ્ટાફને મેદાનમાં ઉતારવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં હવે ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શનિવારથી શરૂ કરવામાં આવી છે. રાજ્યના 504 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી માટે 75હજાર શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા છે. આ વખતે તમામ કેન્દ્રો પર એક સાથે મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવાના બદલે તબક્કાવાર કેન્દ્રો પર મૂલ્યાંકન કામગીરી શરૂ કરવાનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ દિવસે રાજ્યના 18 સેન્ટર પર મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે. ધો.10માં સૌથી વધુ 32 હજાર કરતા વધુ શિક્ષકોને મૂલ્યાંકન કામગીરીમાં જોડવામા આવ્યા છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં હવે પરીક્ષાના મહત્વના ત્રણથી ચાર વિષયોના પેપર પૂર્ણ થયા હોવાથી હવે શનિવારથી બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવાનું નક્કી કર્યું છે.
ગતવર્ષે બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરાઈ હતી. જોકે, તે પહેલા ચારથી પાંચ પેપર પૂર્ણ થયા બાદ મૂલ્યાંકન કામગીરી શરૂ કરી દેવામાં આવતી હતી, તે જ રીતે આ વખતે પણ પરીક્ષા વચ્ચે જ મૂલ્યાંકન શરૂ કરવાનું આયોજન કરાયું છે. ધો.10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 210 મૂલ્યાંકન કેન્દ્ર પર ઉત્તરવહી મૂલ્યાંકન માટે 32740 શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 222 મૂલ્યાંકન કેન્દ્ર પર 25628 શિક્ષકો દ્વારા ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવશે. ધો.12 સાયન્સમાં પણ 72 મૂલ્યાંકન કેન્દ્રો પર 8747 શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી કરવામાં આવશે. આમ, સમગ્ર રાજ્યમાં આ વખતે 504 મૂલ્યાંકન કેન્દ્રો પર ઉત્તરવહી મૂલ્યાંકન માટે 75 હજાર શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે.
ઉત્તરવહી મૂલ્યાંકનના મહેનતાણામાં ભાવ વધારો કરાયો
શિક્ષણબોર્ડ દ્વારા ઉત્તરવહીના મૂલ્યાંકન મહેનતાણામાં આ વર્ષે વધારો જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત ધોરણ 10માં પેપર ચકાસણી માટે એક પેપરદીઠ 7.50 રૂપિયા આપવામાં આવતા હતા. જેની જગ્યાએ હવે 8.50 રૂપિયા આપવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પેપર ચકાસણી માટે શિક્ષકને પેપરદીઠ 8 રૂપિયા આપવામાં આવતા હતા તેની જગ્યાએ હવે 9 રૂપિયા આપવામાં આવશે. જ્યારે 12 વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષે પેપર ચકાસણી માટે એક પેપરદીઠ રૂપિયા 10 આપવામાં આવતા હતા જે યથાવત રાખવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લામાં 27 કેન્દ્રોમાં પેપર મૂલ્યાંકન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં શનિવારથી ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ થઇ ગઈ છે.જેમાં રાજકોટ જિલ્લામાં ધો.10માં 10, ધો.12 સામાન્ય પ્રવાહના 13 અને સાયન્સ માટે 4 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.જેથી કુલ 27 કેન્દ્રો પર પેપર ચકાસણીની કામગીરી શરૂ થઇ છે અને 23 માર્ચથી તમામ કેન્દ્રો પર મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે. આ કામગીરી વહેલી શરૂ થવાને કારણે બોર્ડનું પરિણામ વહેલું જાહેર થશે.