રાજ્યના કેટલાક બીચ પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ
હવામાન વિભાગની આગાહીના પગલે
પાંચ દિવસ ભારે પવન ફૂંકાવાની આગાહીને લઈને તંત્ર એલર્ટ: માંડવી બીચ પર સ્નાન પર પ્રતિબંધ, સુરત, નવસારીના બીચ પર સહેલાણીઓની અવર જવર બંધ કરાઇ
રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવવાની આગાહીને લઈને કેટલાક બીચ પર નહાવા પર તો કેટલાક બીચ પર સહેલાણીઓની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર પણ બાજ નજર રાખી રહ્યું છે.
કચ્છના માંડવી બીચ પર મામલતદાર દ્વારા સ્નાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મામલતદારે 7 જૂન સુધી સ્નાન ન કરવાના સાઇન બોર્ડ મૂકવા માટે પોલીસ અને પાલિકા તંત્રને સૂચના પણ આપી છે. તો બીજી તરફ સલામતીને ધ્યાનમાં લઈને સુરત શહેરના કેટલાક બીચ પર લોકોની અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશનર દ્વારા તા.1 થી 7 જૂન સુધી ડભારી, દાંડી, સુવાલી અને ડુમસના દરિયા કિનારાને સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત નવસારીમાં પણ હવામાન વિભાગની આગહીના પગલે બે બીચ બંધ કરવામાં આવ્યા છે. આગાહીના પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે. દાંડી અને ઉમરાટ દરિયા કિનારાને તાત્કાલિક અસરથી સહેલાણીઓ માટે બંધ કરી દેવાયા છે. મહત્વનું છે કે, વાતાવરણની અસર દાંડીના દરિયા કિનારે જોવા મળી હતી. દરિયામાં કરંટની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.