વેક્સિન બાદ દર્દીમાં થતી વિવિધ બિમારીઓ અંગે રાજકોટ એઇમ્સમાં થશે રિસર્ચ
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે, એઈમ્સ રાજકોટ ખાતે રિસર્ચ અને એથિક્સ પર વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં ક્લિનિકલ ટ્રાયલ, વેક્સિનેશન બાદ દર્દીમાં થતી વિવિધ બીમારી સહિતના વિષયો પણ રિસર્ચ કરવામાં આવશે સાથે જ તજજ્ઞો દ્વારા મેડિકલક્ષેત્રે થતા સંશોધન અંગે ડોકટરો તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

એઇમ્સ રાજકોટના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર પ્રો. ડો. ગોવર્ધન દત્તના માર્ગદર્શન હેઠળ રિસર્ચ સેલ દ્વારા મહત્વનો વર્કશોપ યોજાયો હતો. જેમાં તબીબીક્ષેત્રે સંશોધન કેવી રીતે કરવું, પ્રોજેક્ટ કેવી રીતે શરૂ થાય, મંજૂર થાય અને ફંડિંગ મળે તે અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.વર્કશોપમાં યુવા ડૉક્ટરોને દેશ અને વિદેશ માંથી રિસર્ચ એજન્સીમાંથી શોધ માટે ફંડ મેળવવા માટે કેવી રીતે પ્રસ્તાવ તૈયાર કરવો તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

બે દિવસીય ગુડ ક્લિનિકલ પ્રેક્ટિસ વર્કશોપમાં રાજકોટ એઇમ્સના પ્રો.ડૉ. અશ્વિની અગ્રવાલ અપાર હેલ્થ દિલ્હીના ડૉ. પૂજા શર્મા, સીડીએસસીઓ નવી દિલ્હીના અરુણ કુમાર પ્રધાન, આઈસીએમઆર ચેન્નઇના વૈજ્ઞાનિક ડૉ. તરુણ ભટનાગર, વિઝન રિસર્ચ ફાઉન્ડેશન અને સંશોધન નિયામક ડૉ. રોની જ્યોર્જ,એઈમ્સ રાયપૂરના પ્રો. ડૉ. એન. ગાયકવાડ અને ડૉ. પુગાઝેન્થન થંગારાજુ જોડાયા હતા. સાથે જ અન્ય સંસ્થાઓના નિષ્ણાતોએ પણ વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું.

જેમાં સંશોધનમાં દર્દીઓના અધિકારો અને સુરક્ષા, ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ્સ માટેના નિયમો અને માર્ગદર્શિકા, દર્દીઓની સંમતિનું મહત્વ અને સંશોધનમાં પારદર્શિતા અને ગુણવત્તા જાળવવી અંગે ચર્ચા કરવામાં આવી હતી. વર્કશોપમાં એઇમ્સ રાજકોટના પ્રોફેસર, સિનિયર અને જુનિયર રેસિડન્ટ્સ તથા રિસર્ચ સાયન્ટિસ્ટોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
