સુવિખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન
મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા: ચિઠ્ઠી આઈ હૈ અને ચાંદી જેસા રંગ હૈ તેરા આજે પણ દેશ-વિદેશમાં લોકપ્રિય: રાજકોટ સાથે ગાઢ નાતો
સુવિખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું સોમવારે સવારે લાંબી માંદગી બાદ દુ:ખદ નિધન થયું હતું અને મનોરંજન જગતમાં તેમજ બોલીવુડમાં ભારે આઘાતની લાગણી ફેલાઈ હતી. પંકજ ઉધાસ દેશ-વિદેશમાં પોતાની ગઝલ ગાયકીથી ખૂબ જ લોકપ્રિય થયા હતા. પંકજ ઉધાસનો જન્મ સૌરાષ્ટ્રના જેતપુરમાં થયો હતો. ગુજરાતી ફિલ્મોમાં પણ એમણે પોતાનો અવાજ આપ્યો હતો.
પંકજ ઉધાસનું 72 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. એમની સુપુત્રી નાયાબ ઉધાસે આ દુ:ખદ સમાચાર સોશિયલ મીડિયા પર આપ્યા હતા. 10 દિવસ પહેલા એમને વય સંબંધી બિમારીઓને કારણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પંકજ ઉધાસનો રાજકોટ સાથે ખાસ નાતો રહ્યો હતો. અહી એમણે અભ્યાસ પણ કર્યો હતો. એમનો બહુ મોટો મિત્ર અને ચાહક વર્ગ રાજકોટમાં છે. પંકજ ઉધાસે ગાયેલી કેટલીક રચનાઓ દેશ-વિદેશમાં ખૂબ જ લોકપ્રિય રહી હતી. ચિઠ્ઠી આઈ હૈ અને ચાંદી જેસા રંગ હૈ તેરા, ના કજરે કી ધાર તેમા મુખ્ય રહ્યા હતા.
પંકજ ઉધાસને 2006માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એમના મ્યૂઝિકલ કેરિઅરની શરૂઆત 6 વર્ષની ઉમરથી જ થઈ ગઈ હતી. એમના ઘરમાં સંગીતનો માહોલ રહેતો હતો અને તેઓ પણ આ જ રંગમાં રંગાઈ ગયા હતા. એમના જવાથી લાખો ચાહકો ગમગીન બન્યા છે.