રાજકોટમાં બ્રિજ, હોર્ડિંગ, થાંભલા ઉપર લટકતાં વાયર ચાર દિવસમાં દૂર કરો: મહાપાલિકાનો એજન્સીઓને આદેશ
રાજકોટમાં અત્યારે કોઈ પણ બ્રિજ પરથી પસાર થાવ, કોઈ પણ હોર્ડિંગ કે થાંભલા ઉપર નજર કરો એટલે વાયર લટકતાં જોવા મળ્યા વગર રહે તેમ જ નથી ! આ પ્રકારના વાયરો ઘણી વખત અકસ્માત સર્જવા તેમજ શોર્ટસર્કિટને કારણે લોકોના ભોગ લઈ લેતાં હોવાની વારંવારની ફરિયાદ બાદ આખરે મહાપાલિકાને જ્ઞાન લાદ્યું છે અને ચાર જ દિવસમાં આ પ્રકારના વાયર દૂર કરવા જે-તે એજન્સીને હુકમ કર્યો છે.

મહાપાલિકાની રોશની શાખા દ્વારા પોતાના હસ્તકની તમામ મિલકત ઉપર કેબલ નેટવર્કના વાયર, બ્રોડબેન્ડ (ઈન્ટરનેટ) નેટવર્કના વાયર, ટીવીના વાયર સહિત અન્ય કોઈ પણ પ્રકારના વાયર ચાર દિવસમાં જે-તે એજન્સી દ્વારા દૂર કરવા હુકમ કરવામાં આવ્યો છે. જો ચાર દિવસની અંદર આ વાયર દૂર નહીં કરાય તો મહાપાલિકા પોતે જ વાયરોને દૂર કરી નાખશે.
આ પણ વાંચો :રાજકોટ મહા (ઈવેન્ટ મેનેજમેન્ટ) પાલિકા: 200 અધિકારીને વાયબ્રન્ટમાં જોતરી દેવાયા, કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવી પડશે
પોતાની મિલકત દેખાઈ, અન્ય મિલકતો પર લટકતા વાયરનું શું ?
મહાપાલિકા દ્વારા પોતાની મિલકત ઉપર લટકતા વાયર દૂર કરવા માટે એજન્સીને ફરમાન આપવાનું સૂઝ્યું પરંતુ આખા શહેરમાં આ પ્રકારે વાયર મોઢું ફાડીને લટકી રહ્યા છે તેને દૂર કરવા માટે કોઈ જ કાર્યવાહીનો આદેશ ન આપતા લોકો પણ અચંબિત થઈ ગયા છે. ખાસ કરીને બ્રોડબેન્ડ અને ટીવીના વાયર મકાન, ઓફિસ ઉપર લટકી રહ્યા હોય તેને દૂર કરવા માટે પણ મહાપાલિકાએ આદેશ આપવો જોઈએ તેવું શહેરીજનોનું માનવું છે.
