બીરેન સિંઘને હટાવો: મણીપુરભાજપના ધારાસભ્યોને માંગણી
મણીપુર ભાજપના 19 ધારાસભ્યોએ હિંસાગ્રસ્ત મણીપુરમાં શાંતિ સ્થાપવી હોય તો મુખ્યમંત્રી પદેથી બીરેન સિંઘને હટાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તેમ જણાવતો પત્ર વડાપ્રધાન મોદીને લખ્યો હતો. દિલ્હી ખાતે પ્રથમ વખત મેઈટી, કુકી અને નાગા ધારાસભ્યોની સંયુક્ત બેઠક મળ્યા બાદ મોદીને આ પત્ર સુપ્રત કરવામાં આવ્યો હતો. પત્ર લખનારમાં મણીપુર વિધાનસભાના અધ્યક્ષ થોકસમ સત્યવ્રત સિંઘ તથા બે મંત્રીઓ થોગમ બિશ્વજીત સિંઘ અને યુમનામ ખેમચંદ સિંઘનો સમાવેશ થાય છે.
પત્રમાં ધારાસભ્યોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર સુરક્ષા દળોને તૈનાત કરવાથી સમસ્યાઓ ઉકેલાશે નહીં. તેઓએ ચેતવણી આપી હતી કે લાંબા સમયથી ચાલતા આ સંઘર્ષથી મણીપુર અને ભારતને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે.
ધારાસભ્યોએ પત્રમાં લખ્યું છે કે અમે ભાજપને વફાદાર છીએ પણ જે મતદારોના મતથી અમે ચૂંટાયા છીએ તેમના પ્રત્યે પણ અમારી ફરજ છે. મણીપુરમાં શાંતિ સ્થાપવામાં અને પરિસ્થિતિ સામાન્ય બનાવવામાં મુખ્યમંત્રી બીરેન સિંઘ નિષ્ફળ ગયા છે.
આ ઘર્ષણભરી સ્થિતિમાં મણીપુરને બચાવવા તેમજ ભાજપને થતું નુકસાન અટકાવવા માટે બીરેનસિંહને હટાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. નોંધનીય છે કે વિપક્ષો તો પહેલેથી જ બીરેન સિંઘની નિષ્ફળતા અને તેમની ભૂમિકા સામે સવાલો ઉઠાવતા રહ્યા છે પણ હવે ખુદ ભાજપના જ 19 ધારાસભ્યોએ તેમનું રાજીનામું માગતા મણીપુર ભાજપમાં ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે.