બાકી રહેલી ફાઇલો જાહેર કરો! એપ્સટિન ફાઇલ્સ પ્રકરણમાં પીડિત મહિલાઓ વિડિયોમાં વર્ણવી આપવીતી, સત્ય જાહેર કરવા કરી માગ
ભારે ચર્ચાસ્પદ જેફરી એપ્સટિન ફાઇલ્સ પ્રકરણમાં હવે ખુદ પીડિત મહિલાઓ આગળ આવી છે. સુપર બોલ સન્ડે નિમિત્તે જાહેર કરાયેલા વીડિયોમાં મહિલાઓએ પોતાની આપવીતી વર્ણવી અને અમેરિકન એટર્ની જનરલ પામ બોન્ડીને બાકી રહેલા દસ્તાવેજો જાહેર કરવાની માંગ કરી. પીડિતાઓનો આક્ષેપ છે કે હજુ તમામ માહિતી જાહેર કરવામાં આવી નથી.નોંધનીય છે કે અધિકારીઓએ કેટલાક રેકોર્ડ કાનૂની મર્યાદા અને પીડિતોની ઓળખ સુરક્ષાના કારણોસર ગુપ્ત રાખ્યા છે.
અમેરિકામાં સૌથી વધુ જોવાતી રમતગમત ઇવેન્ટ ગણાતી “સુપર બોલ સન્ડે” દરમિયાન આ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. ફૂટબોલ લીગની ચેમ્પિયનશિપ મેચને કરોડો દર્શકો જોતા હોવાથી પીડિતાઓએ પોતાની વાત દેશભરમાં પહોંચાડવા આ સમય પસંદ કર્યો. વીડિયોમાં મહિલાઓએ પોતાના બાળપણના ફોટા દર્શાવી જણાવ્યું કે તેઓ કિશોરી અવસ્થામાં શોષણનો ભોગ બન્યાં હતા અને હવે સત્ય બહાર આવવું જોઈએ.
આ પણ વાંચો: બનાસકાંઠામાં પ્રેમલગ્નમાં યુવકની હત્યાનો મામલો: 9 લોકોને પડી આજીવન કેદની સજા, જાણો શું હતો મામલો જેને કોર્ટે ઓનર કિલિંગ માન્યો
આ અભિયાન “વર્લ્ડ વિથઆઉટ એક્સપ્લોઇટેશન” નામના સમૂહે ચલાવ્યું છે. મહિલાઓએ સંયુક્ત સંદેશમાં જણાવ્યું કે વર્ષો સુધી અલગ-અલગ રાખવામાં આવ્યા પછી હવે તેઓ એકસાથે ઉભા રહી સમગ્ર સત્ય બહાર લાવવા માંગે છે. વીડિયોના અંતે દર્શકોને “સ્ટેન્ડ વિથ અસ” કહી બાકી રહેલી ફાઇલો જાહેર કરવાની અપીલ કરવામાં આવી છે.
પારદર્શિતા વગર ન્યાય નહીં મળે:પીડિતાઓનો દાવો
તાજેતરમાં અમેરિકન ન્યાય વિભાગ દ્વારા લાખો પાનાંના દસ્તાવેજો જાહેર થયા હોવા છતાં હજુ મોટી સંખ્યામાં ફાઇલો બહાર આવી નથી. અધિકારીઓ મુજબ તેમાં પીડિતોની ઓળખ અને બાળ શોષણ સંબંધિત સામગ્રી હોવાથી કાનૂની મર્યાદાઓ છે, જ્યારે પીડિતાઓનું કહેવું છે કે સંપૂર્ણ પારદર્શિતા વગર ન્યાય સંભવ નથી. સુપર બોલ જેવી રાષ્ટ્રીય ઇવેન્ટમાં મુદ્દો ઉઠતાં હવે અમેરિકામાં તમામ દસ્તાવેજો જાહેર કરવાની માંગ વધુ તેજ બનવાની શક્યતા માનવામાં આવે છે અને રાજકીય-કાનૂની સ્તરે નવા દબાણ ઊભા થવાના સંકેત જોવા મળી રહ્યા છે.
હજુ લાખો દસ્તાવેજો જાહેર થવાના બાકી
2005માં ફ્લોરિડા રાજ્યમાં કિશોરીના શોષણની ફરિયાદથી તપાસ શરૂ થઈ અને બાદમાં અનેક નાબાલિક યુવતીઓને પૈસા આપીને શારીરિક શોષણ કર્યાના આક્ષેપો સામે આવ્યા. 2008માં દોષ સ્વીકાર્યા બાદ Jeffrey Epstein એ સજા ભોગવી હતી, પરંતુ 2019માં ફરી ફેડરલ કેસમાં ધરપકડ થયા પછી જેલમાં તેનું મોત થયું જેને સત્તાવાર રીતે આત્મહત્યા ગણાવવામાં આવ્યું. તેની સહયોગી Ghislaine Maxwell ને 2022માં 20 વર્ષની સજા ફટકારાઈ. કેસ સંબંધિત વિવિધ કોર્ટ દસ્તાવેજો અને નિવેદનો બહાર આવતા વર્ષો દરમિયાન અનેક પ્રભાવશાળી અને જાણીતાં વ્યક્તિઓના નામો પણ ચર્ચામાં આવ્યા હોવાની નોંધ લેવાઈ છે. હજુ લાખો દસ્તાવેજો જાહેર થવાના બાકી છે ત્યારે હજુ પણ કેટલાક વણ જાહેર થયેલ રહસ્ય અંગે ભારે ઉત્તેજનના પ્રવર્તે છે.જોકે આવા તમામ નામો સામે ગુનાહિત જવાબદારી કાનૂની રીતે સાબિત થયેલી હોવું જરૂરી નથી.
