બ્રિટનમાં શાસન પરિવર્તન: 14 વર્ષ બાદ ફરી લેબર પાર્ટી સતારૂઢ થશે
ઋષિ સુનકની કન્ઝર્વેટીવ પાર્ટીનો ઘોર પરાજય
લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમર બનશે વડાપ્રધાન
બ્રિટનમાં 14 વર્ષ બાદ ફરી એક વખત લેબર પાર્ટી સત્તારૂઢ થવા જઈ રહી છે. લેબર પાર્ટીનું નેતૃત્વ કરતા 61 વર્ષના સર કીર સ્ટારમર હવે વડાપ્રધાન બનશે. શાસનવિરોધી લહેર સામે ઋષિ સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટીનો કરૂણ રકાસ થયો હતો. સંસદની કુલ 650 બેઠકમાંથી લેબર પાર્ટી એ 410 બેઠકો પર વિજય મેળવ્યો હતો. 2019 ની ચૂંટણીમાં 365 બેઠકો મેળવી અને સતા પ્રાપ્ત કરનાર કન્ઝર્વેટીવ પાર્ટીનું ગાડું આ વખતે માત્ર 118 બેઠક ઉપર અટકી ગયું હતું. 71 બેઠકો સાથે લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટી ત્રીજા ક્રમે રહી હતી.આ પરાજય બદલ જવાબદારી સ્વીકારી ઋષિ સુનકે પાર્ટીની માફી માગી હતી અને કિંગ ચાર્લ્સને રાજીનામું આપવા માટે લંડન પહોંચી ગયા હતા. એ સાથે જ બ્રિટનના ઇતિહાસના પ્રથમ ભારતીય અને એશિયન વડાપ્રધાનના શાસનનો અંત આવ્યો હતો.
કન્ઝર્વેટિવ પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓને જનતાએ જાકારો આપ્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન લીઝ ટ્રસ અને રક્ષા મંત્રી ગ્રાન્ટ શોપ્સને પરાજય નો સ્વાદ ચાખવો પડ્યો હતો. આ ચૂંટણીમાં કુલ 650 માંથી 37% એટલે કે 242 બેઠકો પર મહિલા સાંસદોનો વિજય થયો છે. આ ચૂંટણીમાં વિવિધ પક્ષોએ ભારતીય મૂળ ધરાવતા કુલ 107 ઉમેદવારોને ટિકિટ આપી હતી. સૌથી વધારે લેબર પાર્ટીમાંથી ભારતીય મૂળ ધરાવતા 33 અને કન્ઝર્વેટિવ પાર્ટી માંથી 30 ઉમેદવારો મેદાનમાં હતા.
બ્રિટનને તેનું ભવિષ્ય પરત મળ્યું: કીર સ્ટારમર
પરિણામો જાહેર થયા બાદ કીર સ્ટીમરે પક્ષના કાર્યકરોને સંબોધતાં જણાવ્યું કે બ્રિટનને તેનું ભવિષ્ય પરત મળ્યું છે. તેમણે કહ્યું કે અમે આ કરી બતાવ્યું. તમે બધાએ સખત મહેનત કરી. ઝુંબેશ ચલાવી .લડાઈ લડી. જનતાએ અમારા પક્ષમાં મતદાન કર્યું.આ પરિવર્તનની શરૂઆત છે.હું બધાનો અવાજ બનીશ.આ શો ઓફની રાજનીતિનો અંત છે.
ઋષિ સુનકે પરાજયની જવાબદારી સ્વીકારી
ઋષિ સુનકે કહ્યું ,”આજે દેશની શક્તિ બદલાશે. મને દેશની સ્થિરતા અને ભવિષ્યમાં પૂરો વિશ્વાસ છે. બ્રિટનના લોકોએ પોતાનો ચુકાદો આપ્યો છે અને આપણે તેમાંથી ઘણું શીખવાનું છે. આ પરાજયની જવાબદારી હું સ્વીકારું છું અને સખત મહેનત કરનાર પાર્ટીના કાર્યકરો અને નેતાઓની માફી માંગુ છું”.
પ્રતિકૂળ સંજોગોમાં સુનકે સત્તા સંભાળી હતી
દોઢ વર્ષ પહેલાં ઋષિ સુનક વડાપ્રધાન બન્યા ત્યારે તેમની પાર્ટી રાજકીય સંકટમાંથી પસાર થઈ રહી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ચાર વડાપ્રધાન બદલ્યા હતા. સુનકને કથડેલું અર્થતંત્ર વારસામાં મળ્યું હતું. તેઓ અર્થતંત્રને ગાડીને પાટા પર ચડાવવામાં નિષ્ફળ રહ્યા. બ્રિટનમાં ફુગાવાનો દર બે ટકા અને ખાદ્ય ફુગાવાનો દર 1.7% સુધી પહોંચ્યો હતો. બ્રિટનના છેલ્લા 70 વર્ષના ઇતિહાસમાં ટેક્સ દર સુનકના કાર્યકાળ દરમિયાન સૌથી વધારે હતા. નાણાભીડને કારણે જનસેવા ઠપ્પ થવા લાગી હતી.
કોને કેટલી બેઠક મળી?
કુલ બેઠક. 650
લેબર પાર્ટી 410
કન્ઝર્વેટિવ. 119
લિબરેલ ડેમોક્રેટ્સ 71
અન્ય પક્ષો 42