‘સૂર્યાસેના’ સામે ‘રેડએલર્ટ’! ફિલ્ડિંગ, ટોપ ઓર્ડરની નિષ્ફળતા, સ્પિનર નામે ધ્રુજતાં પગ: સુપર-8માં તમામ ટીમ તૈયાર થઈને આવશે
ટી-20 વર્લ્ડકપ-2026ના ગ્રુપ સ્ટેજમાં સળંગ ચાર જીત મેળવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાની અસલ પરીક્ષા સુપર-8માં થવાની છે. સૂર્યાસેનાએ અત્યાર સુધી શાનદાર રમતનું પ્રદર્શન કર્યું છે, આમ છતાં ટીમ માટે `રેડ એલર્ટ’ કહી શકાય તેવા ત્રણ પડકારો મોઢું ફાડીને ઉભા છે. ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમે પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો, પરંતુ તેની સામે એક પણ મજબૂત ટીમ નહોતી, જ્યારે સુપર-8માં તાકાતવર ટીમ સામે મુકાબલો થવાનો હોય, ખામી દૂર કરવી જરૂરી બની જશે.
ખરાબ ફિલ્ડિંગ
ગ્રુપ સ્ટેજ દરમિયાન ભારતીય ખેલાડીઓએ મહત્ત્વના સમયે કેચ છોડ્યા હતા. નેધરલેન્ડ વિરુદ્ધ તો ભારતની ફિલ્ડિંગ અત્યંત ખરાબ રહી હતી. અંતિમ ઓવરમાં ભારતે સળંગ બે બોલમાં બે કેચ છોડ્યા હતા. પહેલાં રિન્કુ અને કેપ્ટન સૂર્યાની ટક્કર થઈ, જેના કારણે કેચ છૂટ્યો, ત્યારબાદ તીલક વર્માએ પણ કેચ મુક્યો હતો. આવામાં સુપર-8માંપણ જો ખરાબ ફિલ્ડિંગ થશે અથવા એક પણ કેચ છૂટશે, તો ભારતના હાથમાંથી મેચ અને ટૂર્નામેન્ટ બન્ને નીકળી જશે.
ટોપ ઓર્ડરની નિષ્ફળતા
ભલે મીડિયા ઓર્ડરમાં સૂર્યા અને હાર્દિકે કમાન સંભાળી હોય, પરંતુ અભિષેક શર્માનું બેટ હજુ પણ શાંત જ છે. પાવરપ્લેમાં દમદાર શરૂઆત ન મળવાથી મીડિયા ઓર્ડર પર વધુ દબાણ આવે છે. સુપર-8ની પીચ ઉપર શરૂઆતની છ ઓવરનો ફાયદો ઉઠાવવો ભારત માટે જરૂરી બની જશે. ઈશાન કિશનનો સાથ અભિષેક શર્માએ આપવો પડશે, જેથી સુપર-8માં મજબૂત શરૂઆત થવાથી મીડિયા ઓર્ડર બેટરને પૂરતો સમય મળી શકે.
સ્પિનર સામે ધ્રુજતાં પગ
પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં પણ જોવા મળ્યું કે ભારતીય બેટર નવા પ્રકારની સ્પિન બોલિંગ (જેમ કે ઉસ્માન તારિક) સામે થોડા અસહજ થઈ ગયા હતા. સુપર-8 માટે તૈયાર થનારી પીચ ઉપર સ્પિનરો મહત્વપૂર્ણ સાબિત થનારા હોવાથી ભારતીય બેટરોએ પોતાના ફૂટવર્ક પર ધ્યાન આપવું પડશે. ટીમ છેલ્લા ઘણા સમયથી સ્પિન અને તેમાં પણ મિસ્ટ્રી સ્પિન બોલરો સામે ખૂબ જ સંઘર્ષ કરતી જોવા મળી છે, જેમાં સુધારો જરૂરી છે.
