ડ્રીમ11 સહિતની રિયલ-મની ગેમિંગ એપ્સ બંધ : કરોડોનો ઉદ્યોગ સંકટમાં,મોટુ નુકસાન જવાની શક્યતા
સંસદ દ્વારા ‘ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન બિલ, 2025’ પસાર થયા બાદ દેશના સૌથી મોટા ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ11 એ તેની રિયલ-મની ગેમિંગ સેવાઓ બંધ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ડ્રીમ11 ની પેરેન્ટ કંપની ડ્રીમ સ્પોર્ટ્સ એ આ નિર્ણય લીધો છે, જેના પગલે અન્ય મુખ્ય રિયલ-મની ગેમિંગ પ્લેટફોર્મ્સ જેમ કે ગેમ્સક્રાફ્ટ ની રમીકલ્ચર, ઝુપી,MPL, ગેઈમસ્ક્રાફ્ટ, વીંઝો, જંગલ ગેઈમ્સ, હેડ ડીજીટલ વર્કસ ,પોકરબાજી અને પ્રોબોને પણ મોટુ નુકસાન જવાની શક્યતા છે.
ડ્રીમ11 એપ પર એક નોટિસ દ્વારા યુઝર્સને જાણ કરવામાં આવી છે કે, ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન બિલ, 2025 સંબંધિત તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને, તેઓ તેમના પ્લેટફોર્મ પરની તમામ પે ટુ પ્લે ફેન્ટસી સ્પોર્ટ્સ સ્પર્ધાઓ સ્થગિત કરી રહ્યા છે. જોકે, યુઝર્સના એકાઉન્ટ બેલેન્સ સુરક્ષિત છે અને તેઓ ડ્રીમ11 એપમાંથી પોતાના પૈસા ઉપાડી શકે છે.
સૂત્રો અનુસાર, ડ્રીમ સ્પોર્ટ્સના સીઈઓ હર્ષ જૈને કર્મચારીઓને એક આંતરિક સંદેશમાં જણાવ્યું હતું કે, કાયદો અમલમાં આવ્યા પછી રિયલ-મની ગેમિંગ કામગીરી ચાલુ રાખવાનો કોઈ કાનૂની રસ્તો નથી. આ બિલ પસાર થવું એ ડ્રીમ સ્પોર્ટ્સ માટે નજીકના અસ્તિત્વની કટોકટીનો સંકેત છે, કારણ કે કંપનીની 90% થી વધુ આવક ઐતિહાસિક રીતે ડ્રીમ 11 ની પેઇડ ફેન્ટસી સ્પર્ધાઓમાંથી આવતી હતી.
કંપની હવે તેના અન્ય વર્ટિકલ્સ – ફેનકોડ, ડ્રીમસેટગો અને ડ્રીમ ગેમ સ્ટુડિયોપર ધ્યાન કેન્દ્રિત કરશે, જોકે હાલમાં તેમનું યોગદાન ખૂબ જ નજીવું છે. સંસદમાં ભારત સરકારે બીલ પસાર કર્યું છે અને હવે તેને રાષ્ટ્રપતિની મંજુરી મળે એટલે તે કાયદો બનશે. પણ આ પૂર્વે જ ગેઈમીંગ કંપનીઓએ તાળા મારવાના શરુ કરી દીધા છે.
