પાક.માં ખળભળાટ મચાવતી શું થઈ જાહેરાત વાંચો
- કોણે શું કહ્યું કે મચી ગઈ દોડાદોડી ?
આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે કરન્સીની અછત અને નકલી નોટોના જોખમને પહોંચી વળવા માટે સુરક્ષાની એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ નવી નોટો જાહેર કરવાની ઘોષણા કરી હતી. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ગવર્નર જમીલ અહેમદે જણાવ્યું હતું કે નવી નોટો સુરક્ષાની આંતરરાષ્ટ્રીય સ્તરની અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હશે. પાકિસ્તાની કરન્સીને આધુનિક બનાવવા માટે તેમાં સ્પેશિયલ સુરક્ષા નંબર અને ડિઝાઈનનો ઉપયોગ કરવામાં આવશે.
અહેમદે કહ્યું કે આ ફેરફાર ધીમે-ધીમે કરવામાં આવશે જેથી કરીને પાકિસ્તાનમાં સાર્વજનિક સ્તરે કોઈ સમસ્યા ઊભી ન થાય જે રીતે ભૂતકાળમાં કેટલાક અન્ય દેશોમાં જોવા મળ્યું છે. જો કે, કેટલાક નાણાકીય નિષ્ણાતોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને સવાલ કર્યો હતો કે શું આ સાથે જ નકલી નોટોની સમસ્યા અને કાળા નાણા બજારની સમસ્યાનો સામનો કરવા માટે રૂ. 5,000 અથવા તેનાથી વધુ મૂલ્યની નોટોની નોટબંધી પણ કરવામાં આવી શકે છે?
પાકિસ્તાનના નાણાકીય નિષ્ણાતોના મતે રોકડની અછતથી પીડિત પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કાળા ધનના ગેરકાયદેસર ઉપયોગથી ખૂબ પ્રભાવિત છે જે ઉચ્ચ મૂલ્યની નોટોના સર્ક્યુલેશનને કારણે સરળ છે.
કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ્સના સોહેલ ફારુકે જણાવ્યું કે, પાકિસ્તાનની નાણાકીય પ્રણાલીની અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે આ યોગ્ય પગલું છે પરંતુ શું તેમાં નોટબંધી પણ સામેલ થશે કે કેમ… તે જોવાનું રહેશે. અન્ય એક બેંકરે કહ્યું કે કેન્દ્રીય બેંકે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે નવી કરન્સી જાહેર કરતી વખતે જનતા અને વ્યવસાયોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.
પાકિસ્તાન લાંબા સમયથી ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને તેની અસરને કારણે ત્યાંના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો મોટી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.