રવિન્દ્ર જાડેજાએ ફટકાર્યો વિજયી ‘ચોગ્ગો’ને ઝુમી ઉઠ્યું રાજકોટ !! જયાં જુઓ ત્યાં ઉજવણી અને ટ્રાફીક જામ
દુબઇમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં રસાકસી બાદ ભારતે ૪૯મી ઓવરમાં જીત હાંસલ કરી આઇસીસીની વધુ એક ટ્રોફી ઉપર કબજો જમાવ્યો હતો. રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાતની છાતી ગજગજ ફુલી જાય તેવી ક્ષણ જામનગરના રવિન્દ્ર જાડેજાએ લાવી હતી.

રવિન્દ્રએ ચોગ્ગો મારી ટીમ ઇન્ડિયાને વિજયી બનાવતાની સાથે જ ટીવી સામે, સ્ટેડિયમમાં, રસ્તા ઉપર રહેલા ક્રિકેટ રસીકો રીતસરના ઝુમી ઉઠ્યાં હતાં. ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો ભારત જેવું ચેમ્પિયન બન્યું કે, આતશબાજી સહિતની ધૂમધડાકા યુક્ત ઉજવણી શરૂ થઇ જવા પામી હતી.
એકંદરે ૧૦:૧૫ વાગ્યે આખું રાજકોટ ઉજવણી કરવા માટે રસ્તા ઉપર ઉતરી જતાં જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. રેસકોર્ષ રિંગ રોડ, કાલાવાડ રોડ સહિતના રસ્તાઓ ઉપર તો પગ મુકવાની જગ્યા બચી નહોતી. નાના બાળકથી લઈ મોટેરા સુધીના સૌ કોઇએ આ જીતને મનભરીને માણી હતી.