ઉંદરોનો વસ્તી વિસ્ફોટ : અડધી દુનિયા ત્રાહિમામ !! જાણો કયા કારણે વિસ્તરી રહ્યું છે મુષકરાજ ?? સૌથી વધુ ઉંદરો ક્યાં છે ?
તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વોશિંગ્ટન ડીસી, ન્યુ યોર્ક, સાન ફ્રાન્સિસ્કો, ટોરોન્ટો અને એમ્સ્ટરડેમ જેવા શહેરોમાં ઉંદરોની વસ્તી ભયંકર રીતે વધી રહી છે. સંશોધકોએ જાહેર નિરીક્ષણો અને ચેપના અહેવાલોના ડેટાનો લાગલગાટ બાર વર્ષ સુધી અભ્યાસ કર્યો. ઉંદરોની વસ્તી કેમ વધી રહી છે. જવાબ આવ્યો- આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઈમેટ ચેન્જ.
સાયન્સ એડવાન્સિસ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં વિશ્વભરના 16 શહેરોમાં ઉંદરોની વસ્તીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. પરિણામો દર્શાવે છે કે આ 16 શહેરોમાંથી 11 (લગભગ 69%) માં ઉંદરોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે.
સૌથી વધુ ઉંદરો ક્યાં છે?
- વોશિંગ્ટન ડીસી – ૩૯૦% વધારો
- સાન ફ્રાન્સિસ્કો – ૩૦૦% વધારો
- ટોરોન્ટો – ૧૮૬% વધારો
- ન્યુ યોર્ક સિટી – ૧૬૨% વધારો
ટોરોન્ટોમાં જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તેને નિષ્ણાતો ‘રેટ સ્ટોર્મ’ એટલે કે ઉંદરોનું તોફાન કહે છે. બાંધકામના પ્રોજેક્ટ્સ અને પૂરને કારણે ઉંદરો ગટરોમાંથી ખુલ્લી જગ્યાઓમાં ખસી રહ્યા છે. મોટાભાગના શહેરોમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે ન્યૂ ઓર્લિયન્સ, લુઇસવિલે અને ટોક્યો જેવા કેટલાક સ્થળોએ ઘટાડો નોંધાયો છ્હે. ઉપલબ્ધ ડેટાના અભાવે લંડન અને પેરિસ જેવા કેટલાક મોટા શહેરોને અભ્યાસમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. જો કે રાજકોટ અને અમદાવાદમાં પણ ઉંદરો એટલા જ પ્રમાણમાં જોવા મળે છે.
મુખ્ય વિલન: ક્લાઈમેટ ચેન્જ
ઉંદરો સામાન્ય રીતે શિયાળા દરમિયાન ગરમ સ્થળોએ છુપાઈ જાય છે અને તેમની ગતિવિધિઓ ઓછી કરી નાખે છે. પરંતુ જેમ જેમ વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, તેમ તેમ શિયાળો પણ હળવો થઈ રહ્યો છે. આનાથી ઉંદરોને વધુ વખત ખોરાક શોધવાની તક મળે છે, જેનાથી તેમના જીવિત રહેવાની અને પ્રજનનની શક્યતાઓ વધી જાય છે. વધુ ખોરાક એટલે મોટું પ્રજનન ચક્ર, જેના કારણે વસ્તી ઝડપથી વધે.

ઉંદરો: મોટી સમસ્યા
ઉંદરો કેટલી મોટી સમસ્યા છે એ ગુજરાતીઓ ક્યાં નથી જાણતા? સુરત શહેરમાં પ્લેગ ફેલાવાનું કારણ ઉંદરોનો ત્રાસ જ હતો. આજે સુરત ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક ગણાય છે. પણ બધે આવી સ્થિતિ નથી. એકવીસમી સદીમાં પણ ઉંદરો મનુષ્યો માટે ગંભીર સ્વાસ્થ્ય જોખમ ઊભું કરે છે. નિષ્ણાતો કહે છે કે ઉંદરો પોતે તેના શરીરમાં 50 થી વધુ ખતરનાક રોગો ધરાવે છે, જે પેશાબ, મળ, લાળ અને પરોપજીવી જીવાતો દ્વારા મનુષ્યોમાં ફેલાવી શકે છે. સંશોધનમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ઉંદરોનો ઉપદ્રવ ચિંતા અને હતાશા જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલો છે, ખાસ કરીને ઓછી આવક ધરાવતા સમુદાયોમાં આ સમસ્યા વકરી શકે છે.
ઉંદરોને કાબુમાં કઈ રીતે લાવવા?
પેસ્ટ કંટ્રોલના નિષ્ણાતો માને છે કે ફક્ત ઝેર કે પીંજરાનો ઉપયોગ પૂરતો નથી. તેના બદલે, શહેરોએ ઉંદરોના ખોરાકના પુરવઠાને રોકવા માટે વધુ સારા કચરા વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
કચરાના ફેલાવાને પ્રતિબંધિત કરવા અને સ્વચ્છતામાં સુધારો કરવાથી ઉંદરોની વસ્તીને નિયંત્રણમાં રહેશે. જેમ જેમ ક્લાઈમેટ ચેન્જ આપણા પર્યાવરણને અસર કરતું રહે છે, તેમ શહેરોને આ વધતી જતી સમસ્યાનો સામનો કરવા માટે વધુ સારી વ્યૂહરચનાઓની જરૂર પડશે.