રાજકોટમાં મુકબધીર સગીરા સાથે બગીચામાં અડપલા: ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપી 7.70 લાખ પડાવ્યા, જાણો શું છે સમગ્ર ઘટના
રાજકોટના કોઠારિયા રોડ ઉપર 17 વર્ષની મુકબધીર સગીરા સાથે શારીરિક અડપલાં કરી તેની તસવીર લઈને વાયરલ ન કરવાની ધમકી આપ્યા બાદ સગીરા અને તેના મિત્રએ 7.70 લાખ પડાવી લેતા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.
આ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમના મોટા પુત્રના લગ્ન હોવાથી જેઠના પુત્ર પાસેથી 7.70 લાખ રૂપિયા લીધા હતા. આ પૈસા ઘરની સેટીમાં મુક્યા હતા. આ વેળાએ મૂકબધીર પુત્રી પણ ત્યાં હાજર હતી. થોડા દિવસ બાદ ભત્રીજાએ 7.70 લાખ રૂપિયા લઈ આવવા કહ્યું હતું જે પૈસા લઈને સોનીની દુકાને જવાનું હતું. જો કે ફરિયાદી પૈસા લેવા ગયા ત્યારે થેલી મળી આવી ન્હોતી પરંતુ ઘરમાં લગ્નપ્રસંગ હોવાથી બધા તેમાં વ્યસ્ત હતા.
લગ્ન પૂર્ણ થતાં મુકબધીર પુત્રીએ સાંકેતિક ભાષામાં જણાવ્યું હતું કે તેના પાડોશમાં જ રહેતી 17 વર્ષીય સગીરાના કહેવાથી ઘર નજીક આવેલા બગીચામાં ઋત્વીક નામના યુવક સાથે ગઈ હતી. આ પછી આરોપી સગીરાએ ભોગ બનનાર સગીરા અને ઋત્વીક સાથે હોય તેવો ફોટો પાડ્યો હતો. એ વેળાએ ઋત્વીકે શારીરિક અડપલા કર્યા હતા અને કહ્યું હતું કે આ વિશે કોઈને કહીશ તો આ તસવીરો માતા-પિતા તેમજ પરિવારજનોને મોકલી દેશે. બન્નેને એવી ખબર પણ હતી કે ઘરમાં પૈસા પડેલા છે તે પૈસા પણ કટકે કટકે કઢાવી લીધા હતા. એકંદરે બન્નેએ મળીને 7.70 લાખ રૂપિયા પડાવ્યા હતા.
આ અંગે પોલીસે જણાવ્યું કે 17 વર્ષની આરોપી સગીરાની મોટી બહેન અને ઋત્વીકનો મિત્ર વચ્ચે અફેયર હતું જેના થકી જ આરોપી અને ઋત્વીક પરિચયમાં આવ્યા હતા. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
