રણજી ટ્રોફી ફાઈનલ: કેરળ સામે વિદર્ભના દાનિશની સદી, એક સમયે વિદર્ભે ૨૪ રનમાં ગુમાવી દીધી’તી ત્રણ વિકેટ
વિદર્ભના બેટર દાનિશ માલેવારે કરેળ વિરુદ્ધ રણજી ટ્રોફી ૨૦૨૪-૨૫ના ફાઈનલમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે પ્રથમ દિવસે ૧૬૮ બોલમાં સદી બનાવી હતી. નાગપુરના જામથામાં વીસીએ સ્ટેડિયમમાં કેરળે પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો. એક સમયે વિદર્ભની ૨૪ રનમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી. જો કે ચોથા નંબરે બેટિંગ કરવા આવેલા દાનિશ માલેવાર અને પાંચમા ક્રમે આવેલા કરુણ નાયરે મહત્ત્વની ભાગીદારી કરી હતી.
આ ભાગીદારીને આગળ વધારતાં માલેવારે ચાલું સીઝનની પોતાની બીજી સદી બનાવી હતી. આ વિદર્ભ માટે તેની પહેલી સદી હતી. ડાબા હાથના સ્પીનર આદિત્વ સરવટેની બોલિંગમાં છગ્ગો લગાવીને ૯૯ રન બનાવ્યા બાદ માલેવારે મીડ વિકેટ પર ચોગ્ગો લગાવીને સદી પૂર્ણ કરી હતી.
દાનિશે રણજી સીઝનના પ્રથમ હાફમાં આંધ્ર વિરુદ્ધ નાગપુરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ડેબ્યુ કર્યું અને ત્રીજા નંબરે બેટિંગ કરતાં બીજી ઈનિંગમાં ૬૧ રન બનાવી સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. આ પછી તેણે પોતાની આગલી ત્રણ ઈનિંગમાં ૫૬, ૪૨ અને ૫૯ રન બનાવ્યા હતા તો ગુજરાત વિરુદ્ધ તેણે પહેલી સદી બનાવી હતી.