રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થયા
સમગ્ર દેશની નજર અયોધ્યાના ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહ પર ટકેલી છે ત્યારે ગુરૂવારનો દિવસ દેશની જનતા માટે ભાવપૂર્ણ રહ્યો હતો અને રામ લલ્લા જયઘોષ સાથે મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થયા હતા. રામલલ્લાની મૂર્તિ ગર્ભગૃહમાં પહોંચી ગઈ હતી અને 121 આચાર્યોએ આ મૂર્તિની વિધિ પ્રમાણે પૂજા કરી હતી.
ગુરુવારે ધાર્મિક વિધિનો એટલે કે અનુષ્ઠાનનો ત્રીજો દિવસ હતો. ધાર્મિક વિધિ હજુ 3 દિવસ સુધી ચાલશે. આ પછી, 22 જાન્યુઆરીએ ભગવાન રામને મુખ્ય યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અભિષેક કરવામાં આવશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ‘X’ પર માહિતી આપવામાં આવી હતી જે મુજબ ગુરુવારે બપોરે 1:20 વાગ્યે આચાર્યોએ વિધિ શરૂ કરી હતી. આ પછી મૂર્તિ અને ગર્ભગૃહનું વિધિ-વિધાન મુજબ પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે જય શ્રીરામનો નાદ ગાજી ઉઠ્યો હતો. બપોરે મુખ્ય કર્મકાંડનો શુભારંભ થઈ ગયો હતો.
આ અંતર્ગત ગણેશમ્બિકાપૂજન, વરુણપૂજન, ચતુર્વેદોક્ત પુણ્યહવચન, માતૃકપૂજન, વસોરધારાપૂજન, આયુષ્ય મંત્ર જાપ, નંદીશ્રાદ્ધ, આચાર્યાદિચરિત્રવિગ્વારણ, મધુપર્કપૂજન, મંડપપ્રવેશ વગેરે થયા હતા. કર્મકાંડની શરૂઆત ગણેશ પૂજન સાથે થઈ હતી.
ત્યારબાદ પૃથ્વી-કૂર્મ-અનંત-વરાહ-યજ્ઞભૂમિ-પૂજા, દિગ્રરક્ષણ, પંચગવ્ય-પ્રોક્ષન, મંડપંગ વાસ્તુપૂજા, વાસ્તુ યજ્ઞ, મંડપ સૂત્રવેષ્ટન, દૂધ-પ્રવાહ, જળ-પ્રવાહ, ષોડષસ્થંભ-પૂજન વગેરે મંડપપૂજા, ધ્વજવંદન, મંડપ-પૂજા , તપ, દિક્પાલ, દ્વારપલાદિપૂજા, મૂર્તિનું જળ ધામ અને ગાંધધિવાસ થયો હતો. આ પછી વિધિ સંધ્યા પૂજા અને આરતી સાથે પૂર્ણ થઈ હતી.