રાજકોટના વડાલિયા ફૂડના સંચાલકને કપચીના ધંધામાં રોકાણ કરાવી 10.98 કરોડનો ધૂંબો માર્યો: 2 શખસો સામે ફરિયાદ, એકની ધરપકડ
રાજકોટના જાણીતા વડાલિયા ફૂડના સંચાલકને કપચીના ધંધામાં રોકાણ કરાવવાના નામે બે શખસોએ 10.90 કરોડની છેતરપિંડી આચરતાં આખરે ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે મોટા મવા, માસૂમ સ્કૂલની બાજુમાં આવેલા ગોલ્ડન આર્ક ફ્લેટ નં.902માં રહેતા અને ગોંડલ રોડ પર ગાંધી ચેમ્બર્સમાં વડાલિયા ફૂડસ નામે નમકીનનું ઉત્પાદન કરતા દર્શનભાઈ રસિકભાઈ વડાલિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે 2019માં મોટામવા રોડ પર ફોર્ચ્યુન એક્ઝોટિક એપાર્ટમેન્ટમાં રહેતા વિજય હરિભાઈ માકડિયા અને તેના ભાગીદાર અમિત રમેશભાઈ ભાણવડિયા પણ દર્શનભાઈના મિત્ર હોય બન્નેએ તેમની કપચીની ક્રશર પેઢીમાં રોકાણ કરવાનું કહી વાર્ષિક 12% વળતર આપવાનો વાયદો કર્યો હતો. આ પછી દર્શનભાઈએ પરિવારજનો સાથષ વાત કરતાં રોકાણ કરવા સૌએ સહમતિ દર્શાવી હતી.
અમિત-વિજય ઉપર વિશ્વાસ મુકી બન્ને તેમજ તેમની પેઢીના અલગ-અલગ એકાઉન્ટમાં તા.23-7-2019થી તા.27-6-2024 સુધીમાં 6,90,67,000નું રોકાણ કર્યું હતું. આ રોકાણના બદલામાં અત્યાર સુધીમાં વિજય અને અમિતે 1,08,04,532 રૂપિયા વળતર પેટે પરત કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બાકીના રૂપિયા તેમજ વળતર પરત માંગતાં એક વર્ષથી વાયદાઓ કર્યા બાદ આખરે દર્શનભાઈ સહિતનાને `તમારાથી થાય તે કરી લેજો, પૈસા આપવાના થતા નથી’ તેમ કહી હાથ ઉંધા કરી દીધા સાથે સાથે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો :રાજકોટના હીરાસર એરપોર્ટનું સુવિધામાં હિર ચમકયું: નેશનલ રેન્કિંગમાં 18માં સ્થાને: જાણો કઈ સુવિધામાં કેટલો રેન્ક મળ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે જેના સામે ફરિયાદ નોંધાઈ છે તે અમિત ભાણવડિયા અગાઉ રાજકોટની રાધાકૃષ્ણ સોસાયટી કે જે યુનિવર્સિટી રોડ પર આવેલી છે ત્યાં રહેતા અવિનાશ કુરજીભાઈ ધુલેશિયાની જમીનના ડખ્ખામાં હત્યા થઈ હતી તેમાં પણ તેની સંડોવણી ખુલતાં ધરપકડ કરવામાં આવી હતી.
વડાલિયા પરિવારમાં કોણ કોણ છેતરાયું ?
દર્શન વડાલિયા, જ્યોત્સનાબેન રસિકભાઈ વડાલિયા, ગોકળભાઈ અંબાવીભાઈ વડાલિયા, નવનીતનભાઈ ગોકળભાઈ વડાલિયા, નીતાબેન નવનીતનભાઈ વડાલિયા, સાધનાબેન જીવનભાઈ વડાલિયા, વલ્લભભાઈ વડાલિયા, અંકિતભાઈ જીવનભાઈ વડાલિયા, કેતનભાઈ લક્ષ્મીદાસભાઈ વડાલિયા અને ગીતાબેન દીપકભાઈ વડાલિયા
વિજય-અમિતે મળી અનેકને શીશામાં ઉતાર્યાની આશંકા
આ અંગે એસીપી ક્રાઈમ બી.બી.બસીયાએ જણાવ્યું કે વિજય માકડિયા અને અમિત ભાણવડિયાએ મળીને રોકાણના નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું લાગી રહ્યું છે. હાલ અમિત પકડાઈ ગયો હોય તેને રિમાન્ડ પર લેવામાં આવશે ત્યારે બન્નેએ કેટલા લોકોને `શિકાર’ બનાવ્યા છે તેનો ખુલાસો પણ થશે સાથે સાથે પોલીસે એવી અપીલ પણ કરી હતી કે આ બન્નેની છેતરપિંડીનો ભોગ બનેલા લોકો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે.
