રાજકોટનું ચકચારી ‘ચીકી કૌભાંડ’: ગાંધીનગરના આદેશ બાદ તપાસ પ્રાદેશિક કક્ષાએ સોંપાય, ગ્રાન્ટમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો ધડાકો
રાજકોટ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગમાં ગરીબ અને કુપોષિત બાળકો માટેની ગ્રાન્ટમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો ધડાકો થયો છે. ફેબ્રુઆરી-2025 માં બાળકોને નિયમ વિરુદ્ધ ચીકી વિતરણ કરી, માનીતી એજન્સીઓ (સખી મંડળો) ના ખોટા બિલો મંજૂર કરી લાખો રૂપિયા ગોટાળાના આક્ષેપો -રજૂઆતો બાદ, મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા તપાસ હવે રાજકોટથી ખસેડીને અમદાવાદના પ્રાદેશિક નાયબ નિયામકને સોંપવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લા ICDS ના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર ડૉ. જનકિંસહ ગોહિલ દ્વારા ફેબ્રુઆરી-2025 માં, જ્યારે ઉનાળાની શરૂઆત હોય છે ત્યારે સરકારના કોઈ પણ પરિપત્ર વગર ચીકી વિતરણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આ સમયગાળામાં પ્રોટીન પાવડર આપવાનો હોય છે. આક્ષેપ છે કે આ ચીકી બનાવવા માટે સખી મંડળોએ કોઈ કાચો માલ (ગોળ, સીંગ, તલ) બજારમાંથી ખરીદ્યો જ ન હતો, છતાં તેમના લાખોના બિલો મંજૂર કરી દેવામાં આવ્યા હતા.
આ મામલે અગાઉ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ 15/05/2025 ના રોજ તપાસ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં તેમણે અધિકારીઓને `ક્લીનચીટ’ આપી હતી. DDO એ તેમના રિપોર્ટમાં એવું કારણ આપ્યું હતું કે `લાઇવલીહુડ મિશન અંતર્ગત ટેન્ડર આક્ષેપ ખરીદી કરી શકાય’. જોકે, ફરિયાદીનો દાવો છે કે DDO એ સખી મંડળોના કાચા માલના બિલો કે જી.એસ.ટી. રિટર્ન તપાસ્યા વગર જ એકતરફી રિપોર્ટ તૈયાર કરી કૌભાંડ પર ઢાંકપીછોડો કર્યો છે.
આ પણ વાંચો :અમારી આવક-જાવક આટલી’ રહેશેઃ મ્યુ.કમિશનરે રાજકોટના બજેટનો ચિતાર મુખ્યમંત્રીને આપ્યો
આક્ષેપિત અધિકારી ડૉ. જનકિંસહ ગોહિલ મૂળ ફરજ ઉપરાંત અન્ય બે મહત્વના ચાર્જ પણ સંભાળી રહ્યા છે. એક જ અધિકારી પાસે સત્તા હોવાથી ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળ્યું હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં થયો છે.
ફરિયાદીએ આ મામલે જે તે સમયના મંત્રી ભાનુબેન બાબરીયા, તકેદારી આયોગ અને છેક મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી અને આ બાબતે કાર્યવાહી અવિરત ચાલુ રહી હતી જેના પગલે ICDS કમિશનર કચેરીએ રાજકોટના અધિકારીઓ પાસેથી તપાસ આંચકી લઇને પ્રાદેશિક નાયબ નિયામક (અમદાવાદ) ને તપાસ સોંપી છે. ફોજદારી ફરિયાદ માટે કોર્ટના દ્વાર ખટખટાવાની પણ અરજદાર દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે.
