રાજકોટમાં કેન્સર અને કાર્ડિયાકની ‘સજ્જડ’ સારવાર મળશે : ૨.૬૭ કરોડ લોકોને મફત સારવાર મળી રહે તે માટે ૩૬૭૬ કરોડની જોગવાઈ કરતી સરકાર
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૨૩૩૮૫ કરોડની ફાળવણી
કેન્સરના દર્દીઓમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો હોવાને કારણે દરેક શહેરોમાં કેન્સરની સારવાર વ્યવસ્થિત રીતે મળી શકે તે માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત હાર્ટએટેકના કિસ્સા પણ વધી રહ્યા હોય તે દિશામાં પણ ખાસ્સું ધ્યાન આપવામાં આવ્યું છે. બજેટમાં રાજકોટમાં કેન્સર અને કાર્ડિયાક સેવાઓનો વ્યાપ વધારવાનું એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, ગાંધીનગરમાં કાર્ડિયાક, કિડની, યુરોલોજીની સારવાર વધુ સારી રીતે મળી રહે તે માટે સરકાર દ્વારા ૨૩૧ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડિલો, ગરીબ અને મધ્યમ વર્ગના મળી કુલ ૨.૬૭ કરોડ લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ૩૬૭૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એકંદરે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે સરકાર દ્વારા બજેટમાં ૨૩૩૮૫ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે શું શું જોગવાઈ કરાઈ
- મેડિકલ હોસ્પિટલો માટે ૧૩૯૨ કરોડ
- પોરબંદર, વલસાડ, ગોધરા, હિંમતનગરમાં કેન્સર હોસ્પિટલ બનશે
- ૧૦૮ સેવા માટે ૨૦૦ નવી એમ્બ્યુલન્સ મુકાશે
- જામનગર અને સુરતની નર્સિંગ કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલ બનશે
- સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથિ કોલેજ-હોસ્પિટલો તેમજ દવાખાનામાં સાધનો વસાવાશે
- જી.એમ.ઈ.આર.એસ. સંચાલિત મેડિકલ હોસ્પિટલોના `વિકાસ’ માટે ૧૩૯૨ કરોડ ખર્ચાશે
- જામનગર, અમદાવાદ, વડોદરાની મેડિકલ કોલેજના પી.જી.ના વિદ્યાર્થીઓ માટે ૧૩૭ કરોડના ખર્ચે હોસ્ટેલ
- સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલોમાં ૧૦૦ કરોડના ખર્ચે નવા તબીબી સાધનો વસાવાશે
- ઈમરજન્સી સારવાર વધુ સઘન બનાવવા માટે બાવન કરોડ ખર્ચાશે
- સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે બાવન કરોડની જોગવાઈ