- રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક બે દિવસ પૂર્વે ઝેરી દવા ગટગટાવી લીધા બાદ સારવારમાં દમ તોડયો
શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર બિગ બાઝાર પાછળ ચંદ્રેશ પાર્કમાં રહેતાં અને સંતોષ ભેળના નામે વેપાર કરતાં યુવાને ગૃહ કલેશથી કંટાળીને બે દિવસ પૂર્વે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ઝેરી દવા ગટગટાવી લેતાં યુવકનું સારવારમાં મોત નિપજ્યું છે.
મળતી વિગતો મુજબ, ચંદ્રેશ પાર્કમાં રહેતાં વિમલભાઈ છગનભાઇ ટાંક (ઉ.વ.30) નામના યુવાને ગત ૨૭મીએ સવારે 6 વાગ્યા આસપાસ રૈયા ટેલિફોન એક્ષચેન્જ નજીક તુલસીબાગ પાસે ગોપાલ ચોકમાં ઝેરી દવા પી ગટગટાવી લીધી હતી.જે બાદ યુવકે પોતે જ 108 બોલાવી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતા. અહીં ગઈકાલે તેનું મોત નિપજ્યું હતું બનાવ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, મૃતકને સંતાનમાં એક દીકરી છે. તેમજ પોતે બિગબઝાર નજીક સંતોષ ભેળના નામે વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતો હોય ત્યારે તેના સગા-સબંધી પાસેથી જાણવા મળ્યા મુજબ પત્ની સ્વાતિ અને માતા વાસંતીબેનના માનસિક ત્રાસથી કંટાળી જઈને યુવકે આ પગલું ભર્યું હતું. વધુમાં મૃતક વિમલભાઇના પિતા હયાત નથી. તેને સંતાનમાં એક દિકરી છે. ઘટના બાદ એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે વિમલભાઈ હોસ્પિટલે સારવારમાં હોય ત્યારે પણ તેમના પત્નીએ છૂટાછેડા મેળવવા પ્રયાસો કર્યા હતા.