રાજકોટની 72 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો : બિહારની ચાદર ગેંગે આપ્યો ઘટનાને અંજામ, ઘડિયાળો સાથે 1 શખ્સ ઝડપાયો
રાજકોટ શહેરના ત્રિકોણબાગ નજીક રાધિકા ઘડિયાળ નામના શો-રૂમમાંથી 72.83 લાખની થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. લાખોની ચોરીને બિહારની ચાદર ગેંગે અંજામ આપ્યો હતો. નેપાળ બોર્ડરેથી ગેંગના પાંચ પૈકી એક શખસને પોલીસે ઘડિયાળો સાથે દબોચી લીધો છે. જ્યારે નેપાળ નાસી છૂટેલા અન્ય ચાર શખસોને શોધવા માટે ટીમે નેપાળની બોર્ડર પર કવાયત ચાલુ રાખી હોવાનું જાણવા મળે છે.
યાજ્ઞિક રોડ પર ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતા શો-રૂમ માલિક રવિભાઈ ભુપેન્દ્રભાઈ છોટાઈએ પોતાના ઘડિયાળના શો-રૂમમાં ગત તા.17ના રોજ વહેલી સવારે પાંચ શખસોએ આવી 68.83 લાખની 102 કિંમતી ઘડિયાળો તેમજ ચાર લાખની રોકડની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. શટર ઉંચકીને માત્ર 20 મિનિટની અંદર જ ચોરીને અંજામ આપી પાંચેય શખસો નાસી છૂટ્યા હતા. લાખોની ચોરી સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચે તપાસ આરંભી હતી.
તસ્કર ગેંગને શોધવા માટે સીસીટીવીનો સહારો લીધો હતો જેમાં ગેંગ ગ્રીનલેન્ડ ચોકડી પહોંચી ત્યાંથી વાહનમાં નાસી છૂટી હતી. પોલીસે ટેકનીકલ અને હ્યુમન સોર્સ મારફતે લાખોની ઘડિયાળ લઈને ભાગી ગયેલી ગેંગને પકડવા માટે પગેરૂ દબાવ્યું હતું. આ ગેંગ બિહારના મોતીહારી જિલ્લાની હોવાનું અને ચાંદર ગેંગ તરીકે કૂખ્યાત હોવાની પોલીસને માહિતી મળી હતી.
ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો ગેંગને પકડવા કાર્યરત હતી જેમાં આ ગેંગ મોતીહારીથી નેપાળ નાસી છૂટે તેવી માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ નેપાળ બોર્ડર પર પહોંચી હતી અને પાંચ શખસો પૈકી એક ઈસમને નેપાળ બોર્ડરથી 1 કિલોમીટર દૂરના અંતરેથી પકડી પાડયો હતો. તેની પાસેથી 20 જેવી ઘડિયાળ પણ પોલીસને હાથ લાગ્યાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે સાથે રહેલા ચાર શખસો નેપાળ તરફ નાસી છૂટયાની ક્રાઈમ બ્રાન્ચને વિગતો મળતા આ ચારેય શખસોને પણ દબોચવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ નેપાળ બોર્ડરે સ્થાનિક પોલીસની મદદ લઈને પ્રયાસો કરી રહી હોવાનું જાણવા મળે છે.
