રાજકોટ : સન્ની પાજી શાનમાં સમજી ગયા ! સરકારી જમીન ઉપર ખડકેલુ દબાણ જાતે હટાવ્યું
- પરાપીપળીયા નજીક સન્ની પાજીએ ઢાબા માટે 1200 ચોરસમીટર સરકારી જમીન ઉપર ખડકયું હતું દબાણ
રાજકોટ – જામનગર રોડ ઉપર આવેલ સન્ની પાજીદા ઢાબા નામના રેસ્ટોરન્ટ સંચાલક અવાર નવાર કોઈને કોઈ વિવાદમાં રહે છે ત્યારે તાજેતરમાં રાજકોટના ડેપ્યુટી મેયર સાથે બબાલ કરવાના કિસ્સા બાદ સન્ની પાજીનું સરકારી જમીન ઉપરનું દબાણ ચર્ચાના એરણે ચડતા રાજકોટ તાલુકા મામલતદારના સર્વે બાદ અંતે સન્ની પાજીએ વર્ષોથી પોતાની માલિકીની જમીનને લાગુ યુએલસી ફાજલ સરકારી જમીન ઉપર ખડકી દીધેલું દબાણ સ્વૈચ્છિક રીતે હટાવી સમજદારી દાખવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ -જામનગર હાઇવે ઉપર પરાપીપળિયા નજીક ઘંટેશ્વર રેવન્યુ સર્વે નંબર 79ની જમીન ઉપર સન્ની પાજીદા ઢાબા નામનું રેસ્ટોરન્ટ ચાલવતા સન્ની પાજીએ પોતાની માલિકીની જમીન ઉપરાંત બાજુમાં આવેલ યુએલસી ફાજલ થયેલી અંદાજે 1200 ચોરસ મીટર સરકારી જમીન ઉપર દબાણ ખડકી દઈ વર્ષોથી આ જમીનનો વપરાશ કરી રહ્યો છે, બીજી તરફ ગત નવેમ્બર મહિનામાં સન્ની પાજીને રાજકોટના ડેપ્યુટી મેયર સાથે કોઈ કારણોસર બબાલ થતા સરકારી જમીનનો મુદ્દો ચર્ચાના ચગડોળે ચડતા રાજકોટ તાલુકા મામલતદારે તલાટી મારફતે સ્થળ તપાસ કરાવતા દબાણ હોવાનું માલુમ પડતા તાકીદે દબાણ હટાવવા મૌખિક સૂચના આપી હતી.
બીજી તરફ રાજકોટ તાલુકા મામલતદાર કચેરી દ્વારા યુએલસી ફાજલ જમીન ઉપર કબ્જો કરવા અંગે કોઈ કાર્યવાહી શરૂ થાય તે પૂર્વે જ શનિવારે કરોડોની કિંમતી ગણાતી સરકારી જમીન ઉપરનું પોતાનું દબાણ સ્વેચ્છાએ દૂર કર્યું હોવાનું સામે આવ્યું છે, નોંધનીય છે કે, સન્ની પાજીદા ઢાબા રેસ્ટોરન્ટ રહેણાંક હેતુ માટેની જમીન ઉપર ઉભું હોય આ મામલે શરતભંગ સહિતની કાર્યવાહી કરવા રિપોર્ટ કરવાં આવ્યો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.