1.72 લાખનો ગાંજો 5.76 લાખમાં વેંચે તે પહેલાં જ રાજકોટ SOGએ ચાર શખ્સોને પકડી પાડયા
રાજકોટમાં દારૂની જેમ જ ડ્રગ્સ, ચરસ, ગાંજાનું દૂષણ પણ ‘ઘર’ ન કરી જાય તે માટે પોલીસ દ્વારા સઘન વોચ રાખવામાં આવી રહી છે ત્યારે આવો જ ગાંજાનો 16 કિલોનો જથ્થો બિહારથી રાજકોટ સુધી પહોંચી વેચાય તે પહેલાં જ એસઓજીએ ચાર શખસોને પકડી પાડયા હતા. આ ચારેયનો ઈરાદો 1.72લાખમાં ગાંજો ખરીદી લાવી રાજકોટમાં તેનું વેચાણ કરીને 5.76 લાખ કે તેનાથી વધુની કમાણી કરવાનો હતો પરંતુ કારી ફાવી ન્હોતી.
એસઓજી PI એસ.એમ.જાડેજા ઉપરાંત ટીમના હરદેવસિંહ જાડેજા, અનોપસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમે રૂખડિયાપરાનો ઢાળ ઉતરતા સુલભ શૌચાલયની બાજુમાંથી અભય ઉર્ફે અભલો ભુરાભાઈ અદાણી (ઉ.વ.24), અસલમ ઉર્ફે સર્કિટ બસીરભાઈ શેખ, કિશન સુરેશભાઈ નાયડુ અને કરણ મોહનભાઈ અઠવલેને 16.298 કિલોગ્રામ ગાંજે તેમજ બે મોબાઈલ ફોન મળી 1.72લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. આ ચારેયે ગાંજાનો જથ્થો અલગ-અલગ ભાગ પાડી પોતપોતાના થેલામાં છુપાવી દીધો હતો.

દસ દિવસ પહેલાં ચારેય બિહારના ચકિયા ગામે ગયા હતા જ્યાં શોધખોળ કર્યા બાદ આખરે ગાંજો મળી ગયો હતો જેની ખરીદી કરી અહીં લાવ્યા હતા. બિહારથી 2000 રૂપિયામાં કિલો ગાંજો ખરીદી અહીં 36000માં છૂટક વેચવાનું ચારેયનું પ્લાનિંગ હતું. વળી, ગાંજો અલગ-અલગ એટલા માટે રાખ્યો હતો કે ચારમાંથી કોઈ એક પકડાય જાય તો તેણે તેના ભાગમાં આવેલો ગાંજો જ લાવ્યો હોવાની કબૂલાત આપવાની અને બાકીના ત્રણનું નામ નહીં આપવાનું જેથી પોલીસ બાકીના ત્રણ લોકો સુધી પહોંચી ન શકે. આ ઉપરાંત બહાર રહેલા ત્રણેય શખસોએ પકડાયેલા શખસને છોડાવવાની જવાબદારી પણ ઉઠાવવાની રહેશે તેવું નક્કી કરાયું હતું પરંતુ ચારેય એક સાથે જ પકડાઈ ગયા હતા.
