વેરા પેટે ‘ધક્કાબેન્ક’નો ચેક આપનાર રાજકોટના મિલકતધારકને છ મહિનાની જેલ: 7 મહિનામાં વેરા પેટે રૂ.315 કરોડની આવક
રાજકોટ મહાપાલિકાની વેરા વસૂલાત શાખા દર વર્ષે ડિસેમ્બર માસ પૂર્ણ થાય એટલે વેરા વસૂલાતની ધાર સજાવી બાકીદારો ઉપર ધોંસ બોલાવતી હોય છે ત્યારે હવે ટૂંક સમયમાં જ મેગા સીલિંગ ઝુંબેશ શરૂ કરાશે. આ બધાની વચ્ચે થોડા સમય પહેલાં તંત્રને વેરા પેટે ખાતામાં બેલેન્સ ન હોવા છતાં ચેક આપી દેવામાં આવ્યો હતો જે અપૂરતા ફંડના અભાવે રિટર્ન થતાં મહાપાલિકા દ્વારા કોર્ટકેસ કરાતા ચુકાદો તંત્રની તરફેણમાં આવ્યો હતો અને બાકીદારને છ મહિનાની જેલ કરવામાં આવી હતી.
વેરા વસૂલાત શાખાના જણાવ્યા પ્રમાણે તા.1-4-2025થી તા.24-12-2025 સુધીમાં વેરાપેટે 3,93,005 કરદાતા દ્વારા 315.05 કરોડની વેરા ભરપાઈ કરવામાં આવી છે. જો કે આ વર્ષે તંત્ર વેરાપેટે આવકનો લક્ષ્યાંક 425 કરોડનો રાખવામાં આવ્યો હોય હજુ ઘણુ ઉઘરાણુ બાકી હોવાથી ટૂંક સમયમાં જ તંત્ર બાકીદારો સામે ધોકો પછાડશે.
અત્યાર સુધીમાં અલગ-અલગ વોર્ડની કુલ 267 મિલકતને સીલ કરવામાં આવી છે જેમાં સૌથી વધુ મિલકત વોર્ડ નં.7માં કરવામાં આવી છે. અહીં કુલ 134 મિલકતને સીલ લાગ્યા છે.
