રાજકોટ ડાક વિભાગ ડિજિટલાઇઝેશન તરફ : હેડ પોસ્ટ ઓફિસ અને ડિવિઝનલ ઓફિસમાં સોફ્ટવેરથી કામગીરીનો પ્રારંભ
આપણો દેશ ડિજિટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યો છે. ધીમે-ધીમે બધી જ કામગીરી ઓનલાઈન થવા લાગી છે ત્યારે રાજકોટ જિલ્લાની તમામ પોસ્ટઓફિસ દ્વારા પણ ડિજિટલાઈઝેશન તરફ આગળ પગલું ભરવામાં આવ્યું છે. રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ તથા તમામ ડિવિઝનલ પોસ્ટ ઓફિસ ખાતે નવા સોફ્ટવેરમાં કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે.
રાજકોટ પોસ્ટલ ડિવિઝનના સીનીયર સુપ્રિટેન્ડન્ટ એસ.કે.બુનકર દ્વારા રાજકોટ પોસ્ટ ઓફિસ તથા રાજકોટ પોસ્ટલ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ ખાતે નવા સોફ્ટવેર આઈ.ટી.2.0નું રોલ આઉટ કરવામાં આવ્યું હતું. નવા સોફ્ટવેરથી લોકોને ઝડપી, સરળ અને વધુ વ્યવસ્થિત સેવાઓ મળશે તેમ સુપ્રિટેન્ડન્ટએ જણાવ્યું હતું.
આ તકે પ્રથમ ગ્રાહક પ્રકાશભાઈ દવે દ્વારા હેડ પોસ્ટ ઓફિસ ખાતેથી સ્પીડ પોસ્ટનું સફળતાપૂર્વક બુકિંગ કરવામાં આવ્યું હતું. તેમણે નવા સોફ્ટવેરને સફળતાપૂર્વક લાગુ કરવા માટે રાજકોટ રીજીયન, ડીવિઝન તથા રાજકોટ હેડ પોસ્ટ ઓફિસની ટેકનીકલ ટીમને બિરદાવી હતી.
આ પ્રસંગે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના સિનિયર પોસ્ટ માસ્તર કે.એસ.શુક્લા, રાજકોટ પોસ્ટલ ડિવિઝનના અધિકારીઓ જે.જે.ડાંગર, પી.એલ.જગતિયા, પી.એમ.ભલસોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
