રાજકોટ પોલીસે વાપરી વેપારી બુદ્ધિ! વાહનની હરાજીમાં ભંગારના સાત લાખ વધુ મળ્યા,પોલીસનો ‘સોની કજીયો’ફળ્યો
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 2013થી 2024 દરમિયાન દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરવામાં આવેલા 72 વાહનો જપ્ત કરવામાં આવી હતી. આ કેસનો ચુકાદો આવી જતાં તમામ વાહનની હરાજીનું આયોજન રવિવારે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ હરાજીમાં પોલીસે `વેપારી બુદ્ધિ’ વાપરતા ભંગારના સાત લાખ વધુ મળ્યા હતા.
એસીપી ક્રાઈમ બી.બી.બસીયા, પીઆઈ એમ.આરગોંડલિયા, એમ.ટી.વિભાગના પીએસઆઈ સહિતની હાજરીમાં આ હરાજી યોજવામાં આવી હતી. હરાજીમાં મોટી સંખ્યામાં રાજકોટમાં ભંગારના ડેલા ધરાવતા વેપારીઓ આવ્યા હતા. તેમણે ભંગાર જોયા બાદ જાણે કે રિંગ કરી લીધી હોય તે પ્રમાણે પોલીસને કહ્યું હતું કે સાહેબ, આ ભંગારના 15થી 16 લાખ રૂપિયા આવે.

આ સાંભળી પોલીસ દ્વારા સ્પષ્ટપણે વેપારીઓને સંભળાવી દેવામાં આવ્યું હતું કે તો અમારે ભંગારની હરાજી કરવાની થતી જ નથી ! ત્યારબાદ વેપારીઓએ પોલીસ પાસે થોડો સમય વિચારવાનો સમય માંગતા તે અપાયો હતો. સમય મળી જતાં તમામ વેપારીઓ એકઠા થયા હતા અને અંદરોઅંદર વાતચીત શરૂ કરી હતી. પંદર મિનિટ સુધી વાતચીત ચાલ્યા બાદ ફરી વેપારીઓ આવ્યા હતા અને ભંગારના 23 લાખ રૂપિયા ચૂકવવાનું કહેતા ભંગાર તેમને વેચી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :દુનિયાનું સુખ જોઇ લીધુ પણ…રાજકોટ મનપાના નિવૃત્ત ડેપ્યુટી ઇજનેરનો પત્ની સાથે ઝેરી દવા પી સજોડે આપઘાત, સ્યૂસાઇડ નોટમાં સામે આવ્યું કારણ
આ માટે વેપારીઓ દ્વારા બે લાખ રૂપિયા એડવાન્સ જમા કરાવવામાં આવ્યા હતા. આ પછી તેમને બાકીના પૈસા જમા કરાવવા માટેની મહેતલ અપાઈ હતી. ભંગાર વેચ્યા બાદ જે રકમ આવશે તે સીધી સરકારમાં જમા કરાવી દેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ પ્રકારે હરાજી કરવામાં આવી હતી જેમાં સોની કજિયા કરવામાં આવતા સાત લાખ વધુ મળ્યા હતા.
