રાજકોટ : BRTS બસની રાહ જોતાં મુસાફરોને નહીં લાગે ગરમી ! 19 બસ સ્ટોપ પર કરાઈ કુલરની વ્યવસ્થા
રાજકોટમાં આકાશ અત્યારે આગ ઓકી રહ્યું છે અને ગરમી રીતસરનો હાહાકાર મચાવી રહી છે ત્યારે આ વાતાવરણમાં એક જગ્યાએથી બીજી જગ્યા માટે જવા માટે દરરોજ 21,000થી વધુ મુસાફરો બીઆરટીએસનો ઉપયોગ કરતાં હોય તેમને ગરમી ન લાગે તે માટે મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા 19 શેલ્ટર (બસ સ્ટોપ) ઉપર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટી જયમીન ઠાકરે સંવેદનશીલ નિર્ણય લઈને મુસાફરો માટે તાત્કાલિક કુલરની વ્યવસ્થા કરાવી સાથે સાથે ઝડપથી તેને શરૂ પણ કરાવી દીધા હતા. તેમણે જણાવ્યું કે શહેરી વિસ્તારમાં સિટી બસ સેવા સાથે કનેક્ટિવિટીની સુવિધા પૂરી પાડવા માટે બીઆરટીએસ બસ સેવા અંતર્ગત શહેરમાં મુખ્ય માર્ગો સાથે કનેક્ટિવીટી માટે 150 ફૂટ રિંગરોડ પર બીઆરટીએસ (બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ) અંતર્ગત માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી બીઆરટીએસ બસોને દોડવા માટે એક ખાસ ટ્રેક બનાવાયો છે.

આ ટ્રેક પર 28 ઈલેક્ટ્રિક બસ મારફતે 441 ટ્રીપ દૈનિક થાય છે જેમાં 21,000થી વધુ સિનિયર સિટીઝનો, શ્રમિકો, વિદ્યાર્થીઓ સહિતના નાગરિકો તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે છે. 11 કિ.મી. લંબાઈ ધરાવતાં બીઆરટીએસ ટ્રેક પર અલગ-અલગ પીક-અપ અને ડ્રોપ પોઈન્ટ તરીકે સ્ટોપેજ માટે તેમજ નાગરિકોને બેસવા માટે વેઈટિંગ એરિયા, ટિકિટિંગ વિન્ડો સાથે ગોંડલ ચોક, પુનિતનગર, ગોવર્ધન ચોક, આંબેડકર ચોક, ઉમિયા ચોક, મવડી ચોક, મહાપૂજાધામ ચોક, ઓમનગર, નાનામવા ચોક, વેસ્ટ ઝોન ઓફિસ ચોક, કેકેવી ચોક, ઈન્દિરા સર્કલ, રૈયા ટેલિફોન એક્સચેન્જ, રૈયા ચોક, નાણાવટી ચોક, રામદેવપીર ચોક, શીતલ પાર્ક, અયોધ્યા અને અને માધાપર ચોક એમ 19 સ્થળે આવેલા શેલ્ટર પર 38 કુલર શરૂ કરી દેવામાં આવ્યા છે.