ભંગાર ACના 2000, લેપટોપ-વોશિંગ મશીનના રૂપિયા 500 આપશે રાજકોટ મહાપાલિકા: ઈલેક્ટ્રોનિક ભંગાર ઘરે આવીને લઈ જશે
રાજકોટમાં ઈલેક્ટ્રિક ઉપકરણોનો વ્યવસ્થિત નિકાલ ન થઈ રહ્યો હોવાને કારણે પ્રદૂષણમાં હદ બહારનો વધારો થઈ રહ્યો છે. આ સમસ્યાના નિરાકરણ માટે મહાપાલિકા દ્વારા એક નવતર રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે. હવેથી મહાપાલિકા તેની હદમાં રહેતા કોઈ પણ ઘેર જઈને ઈલેક્ટ્રિક ભંગારની ખરીદી કરી લાવશે. તંત્ર દ્વારા બંધ પડેલા એ.સી.ના 2000, લેપટોપ-વોશિંગ મશીનના 500 રૂપિયા આપશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

આ અંગે તંત્રએ જણાવ્યું કે ઈલેક્ટ્રોનિક કચરાનો યોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ થઈ શકે તે માટે ઈ-વેસ્ટ કલેક્શન સર્વિસ (ઈસીએસ) સાથે સંકલન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ લોકો પોતાના ઘરમાં કે ઓફિસમાં ઉપયોગી ન હોય તેવા ઈલેક્ટ્રોનિક સાધનો યોગ્ય રીતે સોંપીને તેના બદલામાં આર્થિક લાભ પણ મેળવી શકશે. ઈ-વેસ્ટ વ્હીકલનો શુક્રવારથી પ્રારંભ થયો હતો અને વોર્ડ નં.13માંથી છ કિલો ઈ-વેસ્ટનીખરીદી કરવામાં આવી હતી. ઈસીએસ દ્વારા વિવિધ પ્રકારના ઈ-વેસ્ટ માટે રકમ ચૂકવવામાં આવશે.
આ માટે નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે જે પ્રમાણે 155304 અથવા +91 89800 04000 ઉપર સંપર્ક સાધવાથી સ્થળ પર આવીને ઈ-વેસ્ટ લઈ જવામાં આવશે.
આ પણ વાંચો :પ્રિલીમને પ્રિ-બોર્ડ પરીક્ષા તરીકે લેવાશે: રાજકોટ જિલ્લામાંથી 76,612 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા

મહાપાલિકા દ્વારા ઈ-વેસ્ટના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે જેમાં એ.સી.ના 2000, વોશિંગ મશીન-ફ્રીઝના 500, મોબાઈલના 200, લેપટોપના 500, ડેસ્કટોપ કોમ્પ્યુટરના 500 અને ટીવીના 200 રૂપિયા ચૂકવવામાં આવશે. આ ઉપરાંત જનરલ ઈ-વેસ્ટના એક કિલોના 15 રૂપિયા ચૂકવવામાં આવશે.
