રાજકોટ મહાપાલિકા-આઉટડોર એજન્સીઓ હોર્ડિંગને ‘હળવાશ’થી લ્યે છે…કોઈ દુર્ઘટનાની જોવાતી રાહ?!
ચોમાસું એકદમ નજીક આવી ગયું છે અને તેનું ટ્રેલર મતલબ કે પ્રિ-મોન્સુન એક્ટિવિટી એકદમ ખતરનાક હોવાનું ગુરૂવારે સાંજે ફૂંકાયેલા મિનિ વાવાઝોડા પરથી ફલિત થઈ ગયું છે. પંદર મિનિટ સુધી યથાવત રહેલા વાવાઝોડાને કારણે 53 વૃક્ષ અને બે હોર્ડિંગ ધરાશાયી થયા હતા. હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી ત્યાં જ આવી હાલત થઈ જતાં રાજકોટ શહેરની અલગ-અલગ સ્થળ ઉપર હોર્ડિંગ, ગેન્ટ્રી અને કિયોસ્ક મળી 600 સાઈટ પરના બોર્ડ ફિટ છે ? ભારે પવન ઝીલી શકે છે કે નહીં ? તે સહિતની ખરાઈ કરવા માટે એસ્ટેટ શાખા દ્વારા 28 એપ્રિલે ઈલેક્ટ્રિકલ એન્જિનિયર દ્વારા માન્ય સર્ટિફિકેટ રજૂ કરવા નોટિસ આપી હતી. આ નોટિસને આજે 26 દિવસ વીતી ગયા છતાં હજુ સુધી માત્ર 300 એજન્સી-પાર્ટી દ્વારા સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
આ અંગે એસ્ટેટ બ્રાન્ચના મેનેજર એમ.એ.ગાંધીએ જણાવ્યું કે 600 સાઈટ ઉપર હોર્ડિંગ, ગેન્ટ્રી અને કિયોસ્ક બોર્ડનું સંચાલન 70 જેટલી એજન્સી તેમજ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ તમામને 28 એપ્રિલે તેમનું હોર્ડિંગ, કિયોસ્ક અને ગેન્ટ્રી બોર્ડ ફિઝિકલ રીતે ફિટ છે તેવું ઈલેક્ટ્રિકલ ઈજનેર દ્વારા વેરિફાઈડ કરાયેલું સર્ટિફિકેટ રજૂ કરવા માટે નોટિસના રૂપમાં પત્ર લખવામાં આવ્યો હતો. આ તમામ પાસેથી 20 મે સુધીમાં સર્ટિ. રજૂ કરવા કહેવાયું હતું પરંતુ આટલા સમયમાં 600માંથી માંડ 300 બોર્ડના જ સર્ટિફિકેટ આવ્યા હોવાથી હવે સોમવારે બાકી રહેલા 300 બોર્ડ માટે રિમાન્ડર નોટિસ આપવામાં આવશે અને જો દસ દિવસની અંદર સર્ટિફિકેટ રજૂ નહીં કરાય તો પછી કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવશે. બીજી બાજુ સર્ટિફિકેટ માન્ય ઈજનેર દ્વારા જ ઈશ્યુ કરવામાં આવ્યું છે કે નહીં તેની ખરાઈ મહાપાલિકા દ્વારા કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા પહેલાં ફૂંકાયેલા વાવાઝોડાને કારણે વિશાળ કદના બે હોર્ડિંગ ધરાશાયી થયા હતા. સદ્ભાગ્યે બોર્ડ નીચે કોઈ ઉભું ન હોવાને કારણે જાનહાની થવા પામી ન્હોતી ત્યારે મહાપાલિકા દ્વારા વહેલીતકે એજન્સીઓ પાસેથી સર્ટિફિકેટની ઉઘરાણી કરવી જરૂરી બની જાય છે અન્યથા મોટી દૂર્ઘટના બનતાં વાર નહીં લાગે.
પોતે હોર્ડિંગ-કિયોસ્ક-ગેન્ટ્રી ચેક કરાવી શકે તે માટે સ્ટાફ નથી….!
એજન્સી કે પાર્ટી દ્વારા ઈલેક્ટ્રિકલ ઈજનેર મારફતે હોર્ડિંગ, કિયોસ્ક કે ગેન્ટ્રી બોર્ડ ફિટ છે તેવું સર્ટિફિકેટ તો રજૂ કરી દેવામાં આવે છે પરંતુ વાસ્તવિક રીતે આ બધું ફિટ છે કે નહીં તે જાતે જઈને ચેક કરાવી શકે તે માટે મહાપાલિકા પાસે સ્ટાફ જ ન હોવાનું જાણવા મળ્યું હતું. ગત વર્ષે ચોમાસામાં જ કિયોસ્ક બોર્ડમાં શોર્ટસર્કિટને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો હતો ત્યારે આ વર્ષે એવું ન બને તે માટે મહાપાલિકાની ટીમે મેદાને ઉતરવું જરૂરી બની રહેશે અન્યથા એજન્સી કે પાર્ટી દ્વારા કાગળના સ્વરૂપમાં અપાનારું સર્ટિ. માત્ર ફાઈલમાં જ કેદ રહેશે.