વૈશ્વિક એરોસ્પેસ હબ તરીકે વિકસી રહ્યું છે રાજકોટ: ઇસરો, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને પાર્ટ્સ પૂરા પાડે છે રાજકોટ
ગુજરાત સરકાર દ્વારા આગામી તા. 8 થી 9 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છની વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કૉન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે.આ કોન્ફરન્સની સાથે જ તા.8 થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ એક્ઝિબિશન પણ યોજાશે, જે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગો, MSMEs, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે.

વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી અનેક સ્વદેશી કંપનીઓ રાઇિંઝગ સ્ટાર તરીકે ઉભરી આવી છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે આગવી ઓળખ ધરાવતું રાજકોટનું હવે એરોસ્પેસ અને સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપી ઊંચી ઉડાન ભરવા જઈ રહ્યું છે.
શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ વલ્લભભાઈ સતાણી જણાવે છે કે, અમે અમારી કંપનીની શરૂઆત વર્ષ 2017માં કરી હતી. અદ્યતન મશીનરી અને 24×7 પાવર-બેક્ડ એસેમ્બલી સુવિધાથી સજ્જ થઈને અમે ગુજરાતના સૌથી આધુનિક અને સુસજ્જ પ્રીસીઝન એન્જિનિયરિંગ ઈકોસિસ્ટમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જેના કારણે આજે વૈશ્વિક એરોસ્પેસ કંપનીઓ જેવી કે એરબસ, બોઇંગ, રોલ્સ-રોયસ, ડેસોલ્ટ એવિએશન, ઇસરો, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ વગેરે માટે અત્યંત મહત્વના એરોસ્પેસ પાર્ટસ સપ્લાય કરવા સક્ષમ બન્યા છીએ.

સંદીપ સતાણી વધુમાં જણાવે છે કે, અમારી ટેકનીકલ ટીમના સહયોગથી ટેક્નોલોજીના સર્વોચ્ચ સ્તરે અલ્ટ્રા-પ્રીસીઝન મશીનિંગ, કોમ્પ્લેક્સ એરોસ્પેસ ટૂલિંગ, હાઈ-સ્ટ્રેન્થ એલોય્સ અને ક્રિટિકલ એસેમ્બલીઝમાં પ્રભુત્વ મેળવ્યું. SAC– ISRO માટે ભારતનું પ્રથમ 6 માઇક્રોન RMS ધરાવતું ટેરા હર્ટ્ઝ એન્ટેના અને નેવિગેશન એન્ટેના પણ વિકસાવ્યું છે. 8-મીટર વિંગ ફિક્ચર્સ, INVAR કોમ્પોઝિટ લેવઅપ ટૂલ્સ અને એરો-એન્જિન પાર્ટસનું નિર્માણ માટે સ્ટ્રેચ-ફોર્મિંગ ડાઇઝ, રિફ્લેક્ટર પેનલ્સ અને અંદાજિત 3000 થી વધુ એરોસ્પેસ ટૂલ્સની ડિલિવરી કરી છે. આ ઉપરાંત, TATA– Airbus C295 વિમાન માટે 11.5 મીટર લાંબા, 25 ટન વજનના અને 15,000+ ભાગો ધરાવતા લેફ્ટ અને રાઈટ વિંગ બોક્સ એસેમ્બલી જિગ્સની સફળ ડિલિવરી કરી શક્યા છીએ. શ્રીરામ એરોસ્પેસ એ નવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, જેનું સ્વપન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયું છે. એન્જીનીયરિંગ ક્ષેત્રે રાજકોટના ઘર આંગણે ઇનોવેશન જન્મે છે, જે ગુજરાત ભારતની મેન્યુફેક્ચરિંગ ક્રાંતિનું નેતૃત્વ કરે છે. રાજકોટ સાબિત કરી રહ્યું છે કે, લોકલ ટેલેન્ટ, લોકલ ઉદ્યોગ સાહસિકોની સૂઝબૂઝ અને ટેક્નોલોજીના સથવારે ભારતની વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાઓને નવી શક્તિ આપવા સક્ષમ છે.
