રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હવે તીડનો ત્રાસ! પેસેન્જર લોન્જમાં અંદરના ભાગે અસંખ્ય તીડ ઉભરાઈ પડયા મુસાફરોને ભારે હાલાકી
કરોડોના ખર્ચે બનેલા રાજકોટના ઈન્ટરનેશનલ હીરાસર એરપોર્ટમાં મુસાફરો માટે સુવિધા સાથે દુવિધા પણ એટલી આવી પડે છે. હવે ચોમાસાની ઋતુમાં એરપોર્ટની અંદર તીડનો (ઉડતી જીવાત)નો ભારે ત્રાસ છે. પેસેન્જર લોન્જ સુધી ઉભરાઈ ગયેલા આ તીડના ટોળાંથી મુસાફરોમાં ભય જેવો માહોલ છે.

ઉડતા કે દિવાલો, કોચ પર ચીપકેલા આ તીડના દૃશ્યો જોઈને મુસાફર કે વ્યક્તિને એવો અહેસાસ કે ભીતિ લાગે કે જાણે કોઈ વાડી, વગડામાં ઘૂસી આવ્યા. એરપોર્ટમાં શ્વાનો, ગાયો કે દીપડા સુધીના પ્રાણીઓ ઘૂસી આવે છે. ઝરખ પણ ગમે ત્યારે દેખાય છે. હવે વરસાદની ઋતુમાં જીવાતોનો ત્રાસ વધ્યો છે. પ્રાણીઓ તો બહારના ભાગે હોય છે. જ્યારે જીવાતો, તીડ તો અંદરના ભાગે ઘૂસીને ઉડતા રહે છે જેને લઈને લોન્જમાં બેઠેલા મુસાફરોમાં સતત ભય રહે છે.

લોન્જમાં પ્રવેશવા કાચના ફ્રેમીંગ ડોર તેમજ અન્ય વિસ્તારમાં અસંખ્ય તીડ (ટીડળા) હારબંધ બેઠેલા હોય જેવો ડોર ખુલે કે કોઈ એ તરફ જાય તો જાણે આ તીડનું ટોળું ઝુમખું એક સાથે ઉડે છે જેથી અંદર રહેલા વ્યક્તિઓમાં ભાગદોડ થઈ પડે છે. ટર્મિનલમાં દેખાતા તીડને બહાર કાઢવા માટે એરપોર્ટનો સ્ટાફ પણ મથામણ કરતો રહે છે. કબુતર, ચકલા, હોલા કે આવા પક્ષીઓ બાદ હવે ઉડતા તીડ ચોમાસામાં સ્ટાફ માટે પણ શીરદર્દ જેવા બની ગયા છે. એરપોર્ટના આંતરિક વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ અંદરના ભાગે ખુલ્લા ખેતરાળ વિસ્તારના કારણે ક્યારેક ક્યારેક સરીસૃપ નીકળતા રહે છે. હવે ચોમાસાની સિઝનને લઈને આવી જીવાતો પણ ક્યારેક ઉભરાઈ પડે છે.

ડ્રેનેજમાંથી ઈયળો નીકળવાની ઘટનાઓ પણ બનતી રહે છે. એરપોર્ટ સ્ટાફ દ્વારા પુરી તકેદારી રાખવામાં આવે છે છતાં આવું ક્યારેક બનતું રહે છે. અગાઉ એરપોર્ટમાં પાણી ખલાસ થઇ જવાની કે આવી પ્રાથમિક સવલતો વિના પણ મુસાફરોને મુશ્કેલી પડતી હતી હવે અંદરના ભાગે ટીડના ટોળાએ મચાવેલા તરખાટથી પરેશાની વધી છે. અવાર-નવાર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રણ દિવસ પૂર્વે માત્ર વરસાદી ઝાપટાંથી અંદર પાણી ટપકવા લાગ્યા હતા અને એરપોર્ટ સ્ટાફ દ્વારા ટીપટીપ પાણી બંધ કરવા અને અંદર નુકસાની ન થાય તે માટે રીપેરીંગની કામગીરી કરવી પડી હતી. ત્યાં હવે આ ટીડે નવી ઉપાધી ઉભી કરી છે.
