રાજકોટ : સમુહ લગ્ન કૌભાંડ-પકડાયાના 48 કલાકમાં ચારેય આરોપી જામીનમુક્ત, સમુહ લગ્નનો કર્તાહર્તા ચંદ્રેશ હજુ પોલીસ પકડથી દૂર
સમુહ લગ્નનો કર્તાહર્તા ચંદ્રેશ હજુ પોલીસ પકડથી દૂર, સમાજના લોકોએ આરોપી હાર્દીક શિશાંગીયાને ઝડપી લઇ પોલીસને સોંપ્યો
ચકચારી સમુહ લગ્ન કૌભાંડમાં પકડાયેલ ચારેય આરોપી ૪૮ કલાકમાં જ જામીનમુક્ત થઈ ગયા પરંતુ હજુ સમુહ લગ્નનો કર્તાહર્તા ચંદ્રેશ હજુ પોલીસ પકડથી દૂર હોય તેવામાં સમાજના લોકોએ આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપી હાર્દીક શિશાંગીયાને ઝડપી લઇ પોલીસને સોંપ્યો હતો.
મળતી માહિતી મુજબ, શહેરના રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સમાજ સેવા સંઘના નામથી ૨૮ દીકરીઓના સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન ગત શનિવારના કરવામાં આવ્યું હતું. ત્યારે વહેલી સવારે અહીં આવી પહોંચેલા વર-કન્યા પક્ષને કોઈ આયોજક નહિ મળતાં પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જાણવા મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચીને ૬ જેટલા લગ્ન કરાવી આપ્યા આ સમગ્ર ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પહોંચતા તાત્કાલિક એસ.ઓ.જીની ટીમે આયોજન કમિટીના સભ્ય મનીષ વિઠલાપરા, દિલીપ ગોહેલ, અને દીપક હિરાણીને ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરતાં અદાલતે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. જે બાદ રવિવારે પોલીસે બીજા આરોપી દિલીપ હરસોરાની ધરપકડ કરી હતી. ગઇકાલે રિમાન્ડની મુદત પૂર્ણ થતાં ચારેય આરોપીઓને કોર્ટમાં હાજર કરતા તેમના વકીલે જામીન અરજી દાખલ કરી હતી. ત્યારે બંને પક્ષોની રજૂઆતના અંતે અદાલતે ચારેય આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સમુહ લગ્ન આયોજનનો વધુ એક આગેવાનને ઋષિવંશી સમાજના લોકોએ જ મવડી ચોકડી પાસેથી પકડી લઈને પ્રદ્યુમનનગર પોલીસ મથકના સ્ટાફને હાજર કર્યો હતો. ત્યારે ૪૮ કલાકમાં જ ૨૮ યુગલનો પ્રસંગ બગાડી નાખનાર મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા હજુ પણ પોલીસ પકડથી દુર છે.