રાજકોટના સોની વેપારીએ 52 લાખના ઘરેણા ચોરાયાનું ‘ત્રાગુ રચ્યું’: પોલીસે કર્યો ભાંડાફોડ,વાંચો શું છે સમગ્ર મામલો
રાજકોટમાં સાધુ વાસવાણી રોહ પર પાટીદાર ચોક નજીક કુંજન-વિહાર સોસાયટી-9માં રહેતા અને સોની કામની દુકાન ધરાવતા વેપારી જયેશભાઈ રામજીભાઈ રાણીંગા (ઉ.વ.62)એ સોનીકામ તેમજ ઉપલેટામાં સંયુક્ત મિલકતોમાં ભાગ ન પડતા દેવુ થઈ જતાં રાજકોટના જ પેલેસ રોડ પર સોના ઘરેણાની દુકાન ધરાવતા હિમાંશુભાઈ અરવિંદભાઈ પાલાને ત્યાંથી બાવન લાખની કિંમતના સોનાના ઘરેણા રાખી ઉપલેટા નજીક ખાખીજાળિયા ગામ પાસે બેશુધ્ધ થઈને પડી જતાં 453 ગ્રામ જેટલા સોનાના ઘરેણા ચોરાયા, ગુમ થયાનું ત્રાગુ રચતા પોલીસ તપાસમાં ખોટી સ્ટોરીનો ભાંડાફોડ થયો છે. પોલીસે ઉપલેટામાં સોની વેપારીના ઘરમાંથી જ સોનાના ઘરેણા કબજે લીધા હતા.

સમગ્ર ઘટનાની વિગતો મુજબ ગઈકાલે તા.15/10/2025 ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનના મોબાઈલ ફોનમાં કલાક ઉપલેટા પો.સ્ટે.થી ટેલીફોનીક જાણ કરેલ કે, જયેશભાઇ રામજીભાઇ રાણીંગા, રહે. ઉપલેટા વાળા મોટર સાયકલ લઇને ખાખીજાળીયા ગામ તરફ આવતા હતા ત્યારે દાળમાં દાદાના મંદીર પાસે ખાખીજાળીયા રોડ ઉપર બેહોશ થઇ જતા 108 મારફત પ્રથમ ઉપલેટા સરકારી હોસ્પિટલ અને બાદ ઉપલેટામાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા ત્યારે તેની પાસે રહેલા થેલા માંથી 453 ગ્રામ જેટલુ સોનુ ગાયબ થયેલ છે તેવી માહિતી બહાર આવી હતી.

આ બાબત બહાર આવતા પોલીસે બનાવની ગંભીરતાને જોતા રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયિંસહ ગુર્જર તથા ધોરાજી ડીવીઝનના ઇ/ચા મદદનીશ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાએ આ બનાવ બાબતે ત્વરીત તપાસ કરી આ બાબતમાં શામેલ વ્યક્તિઓને શોધી કાઢી મુદામાલ રીકવર કરવા સુચના આપેલ હતી.
આ બાબતને ધ્યાને લઈને રાજકોટ ગ્રામ્યના એલસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર વી.વી.ઓડેદરા તથા ભાયાવદર પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેક્ટર વી.સી.પરમાર તથા રાજકોટ ગ્રામ્યના એલસીબીના પો. સબ ઈન્સ. આર.વી.ભીમાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબી તથા ભાયાવદર પોલીસ સ્ટાફ તેમજ ઉપલેટા પો.સ્ટે.ની અલગ-અલગ ટીમો બનાવી બનાવના સ્થળ નજીકના, બનાવ સમયના ઉપલેટા પો.સ્ટે. વિસ્તારના સીસીટીવી ફુટેજ તથા એકટીવા ચાલક જયેશભાઇ રાણીંગાનો ભૂતકાળ તેમજ ફોન કોલનો સમય વિગેરે ચેક કરવાની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો :હવે દેશમાં ડિજિટલ વીજળી બિલ યુગની શરૂઆત થશે: કાગળ પર બિલ આપવાની પધ્ધતિ થશે બંધ
પોલીસ દ્વારા જાહેર કરાયેલ માહિતીઓ અનુસાર આ બાબતની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, આ જયેશભાઇ રાણીંગાએ આ સમગ્ર બાબતને ઉપજાવી કાઢેલ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાતા આ જયેશભાઇ રામજીભાઇ રાણીંગાને પોલીસે યુકિત-પ્રયુકિતથી પુછતા ભાંગી પડેલ અને પોતે જણાવેલ કે, તેની સાથે આવો બનાવ બનેલ નથી પરંતુ પોતાને દેવુ થઇ ગયેલ છે જેથી પોતે રાજકોટ સોની પાસેથી દાગીના લઇ પ્રથમ ઉપલેટા પોતાના ઘરે તમામ દાગીના સંતાડી દીધેલ અને ઘરેથી પોતાના થેલામાં ઘરેણાના ખાલી ડબ્બા ભરી પોતાના ભાઈનું એકટીવા લઇ ભાયાવદર જવા નિકળેલ અને ખાખીજાળીયા ગામ નજીક રોડ ઉપર એકટીવા ઉભુ રાખી થેલાની ચેઇન ખુલ્લી રાખી થેલો એકટીવા પર રાખી તેની બાજુમાં પોતે બેભાન થઇ પડી ગયા હોવાનો ડોળ કરેલો હતો. અહીંયા રસ્તે જતા કોઇ માણસો ભેગા થઈ ગયેલા અને 108 માં ફોન કરી તેમને દવાખાને લાવેલા અને તમામ ઘરેણા હાલ તેના ઉપલેટા ખાતે આવેલ ઘરે જ હોવાની હકીકત બહાર આવી હતી ત્યારે રાજકોટ જે સોની પાસેથી ઘરેણા લાવેલ તે હીમાંશુભાઇ અરવીંદભાઇ પાલા પણ આવી ગયેલ અને તેઓની હાજરીમાં જયેશભાઈનુ ઘર ચેક કરતા તમામ ઘરેણા મળી આવેલ ત્યારે આ વ્યક્તિઓએ પોલીસને ગુમરાહ કરવાના ઇરાદાથી અને સોનાના મૂળ માલીકને નુકશાન અને હેરાન કરવાના ઇરાદાથી પોલીસને ખોટી માહીતી આપેલ હોય તેના વિરૂધ્ધ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.
આ પણ વાંચો :CAએ રાજકોટમાં મામાના પુત્રને પણ રુ.4.62 કરોડમાં ફસાવ્યો! GST વિભાગ દ્વારા સમન્સ આવતા ખ્યાલ પડ્યો કે…વાંચો સમગ્ર મામલો
આ બાબતની ખોટી ફરિયાદ આપવાનું કારણ એવું બહાર આવ્યું છે કે, આ વ્યક્તિ ઉપલેટામાં તેઓના ભાઈઓ સાથે સંયુક્ત મીલકત આવેલ છે અને અવાર-નવાર કહેવા છતા તેઓની મીલકતનો ભાગ પાડેલ નહી અને તેને દેવુ થઇ ગયેલ છે જેથી આ વ્યક્તિ દ્વારા વેપારી પાસેથી સોનુ લઈને અલગ-અલગ દુકાનમાં આપવાનુ કહી સોનુ ચોરાય ગયેલની ફરીયાદ કર્યેથી સોનાના મૂળ માલીકને પૈસા આપવા ના પડે અને પોતાનુ દેવુ પણ ભરપાઇ થઇ જાય તે હેતુથી સદરહુ બનાવ ઉપજાવી કાઢેલ હોવાની માહિતી બહાર આવી હોવાનું પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આ બાબતમાં પોલીસે 62 વર્ષીય જયેશભાઈ રામજીભાઈ રાણીંગા નામના રાજકોટના વ્યક્તિ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ ભેદ ઉકેલવામાં રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગની એલસીબી પોલીસ ટીમના પો.ઇન્સ. વી.વી. ઓડેદરા, ભાયાવદર પો.ઇન્સ. વી.સી. પરમાર, ઉપલેટા પો.ઇન્સ. બી.આર. પટેલ, એલ.સી.બી. પો.સ.ઈ. આર.વી. ભીમાણી, એલ.સી.બી. પોલીસ સ્ટાફ, ભાયાવદર પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ, ઉપલેટા પોલીસ સ્ટાફ જોડાયેલ હતો અને ખોટી ઉપજાવી કાઢવાની આ કહાનીમાં છુપાયેલા હકીકત બહાર લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હાલ આ બાબતની તપાસ ભાયાવદર પોલીસ સ્ટેશનના એએસઆઈ રોહિત વાઢેળને સોંપવામાં આવતા તેમના દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
