બોગસ કંપની શરૂ કરી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડમાં ધરપકડનો આંક ૧૭એ પહોંચ્યો
ગોંડલના ઋષિ બગથરીયાએ જૂનાગઢના ત્રણ શખ્સોને ખોટા બિલ આપી જીએસટી ટેક્સ રિફંડ મેળવી લીધું’તું
માત્ર એક કાગળથી કરોડો રૂપિયાની કમાણી કરી લેવાના કૌભાંડનો રાજકોટ આર્થિક ગુના નિવારણ (ઈઓડબલ્યુ) શાખા દ્વારા પર્દાફાશ કર્યા બાદ એક બાદ એક ધરપકડ થઈ રહી છે. આમ તો આ કૌભાંડના કેન્દ્રમાં પત્રકાર મહેશ લાંગા અને તેના સગા મનોજ લાંગાની સંડોવણી ખૂલી છે અને હાલ તેની પૂછપરછ પણ ચાલી રહી છે. આ ઉપરાંત કાંડમાં સામેલ અન્ય લોકોને પણ પકડવામાં આવ્યા છે જેમાં વધુ ચારનો ઉમેરો થવા પામ્યો છે. ઈઓડબલ્યુ દ્વારા ગોંડલ તેમજ જૂનાગઢના ચાર શખ્સોની ધરપકડ કરી આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કૌભાંડની બારિકાઈથી તપાસ ચાલી રહી છે જે સિલસિલામાં વધુ ચારને પકડવામાં આવ્યા છે જેમાં હાલ રાણાવાવ રહેતા અને મુળ જૂનાગઢના દિલીપ ટાંક, જૂનાગઢના સુધીર રૈયાણી, ગોંડલના ઋષિ બગથરીયા અને જૂનાગઢના રમેશ ભેટારિયાની ધરપકડ કરવામાં આવી છે.
ઋષિ બગથરિયા દ્વારા દિલીપ, સુધીર અને રમેશને બોગસ કંપનીના બિલ આપવામાં આવ્યા હતા અને એ બિલ થકી આ લોકોએ જીએસટીનું રિફંડ મેળવી લેતા હતા. અગાઉ આ કૌભાંડમાં સામેલ ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.