કાર અથડાવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી હુમલો કરાયો, પોલીસે નોંધ્યો ગુનો
રાજકોટ અમદાવાદ હાઈ-વે પર કાર અથડાવા બાબતે થયેલી બોલાચાલી બાદ કુવાડવા ગામે ફિલ્મી સ્ટાઇલે રોડ પર આડી બે કાર રાખી દઈ ઘસી આવેલા ચાર શખ્સોએ સુરેન્દ્રનગરના બે યુવકો પર લોખંડના પાઇપ વડે હિચકારો હુમલો કર્યો હતો. બનાવા અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પાંચાવડ ગામે રહેતા નારણભાઈ વશરામભાઈ મેટાણીએ કુવાડવા પોલીસ મથકમાં આરોપી ભરત ગમારા કાળુ ગમારા હરેશ ગમારા અને દડુ ગમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તારીખ ૨૫/૨ ના તેઓ પોતાની સ્કોર્પિયો ગાડી લઈને મિત્ર સાથે રાજકોટ રીપેરીંગ કામ માટે આવ્યા હતા જે બાદ પરત જતા રસ્તામાં ચાંદની હોટલ પાસે કોઈ અકસ્માત થતાં ટ્રાફિકજામ થયેલ દરમિયાન પાછળથી આવેલા બોલેરો પિકઅપના ચાલકે તેમની કાર સાથે અથડાવી હતી. ત્યારબાદ આ બોલેરો કાર ચાલકે પોતાનો વાંક હોવા છતાં ફરિયાદીને ગાળો ભાંડી ઝઘડો કર્યો હતો.દરમિયાન બીજા વાહન ચાલકોએ સમજાવતા મામલો શાંત પડ્યો હતો.
ટ્રાફિકમાંથી નીકળતા ફરિયાદી નારણભાઈના મોબાઇલમાં ભરત ગમારાના નામથી કોઈ વ્યક્તિના ફોન આવેલ અને ‘ તું બામણબોર આવ જોઈ લઈ તને તેવું કહું હતું. નારણભાઈ કાર લઈને કુવાડવા નજીક આવેલ ગુજરાત ગેસના પેટ્રોલ પંપ પાસે પહોંચતા જ હાઈ-વે પર વચ્ચે થાર અને ફોર્ચ્યુનર ગાડી આડી રાખી તેમને અટકાવ્યા હતા. ફરિયાદી અને તેનો મિત્ર અમરશીભાઈ બંને પોતાની કારમાંથી ઊતરતા જ લોખંડના પાઇપ લઈને ઘસી આવેલા ચારેય શખ્સોએ તેમની ઉપર હિચકારો હુમલો કર્યો હતો. બનાવથી ટ્રાફિકજામ થી જતા આજુબાજુના લોકોએ બંનેને વધુ મારથી બચાવ્યા હતા. જે બાદ ઈજાગ્રસ્ત હાલતમાં બંને યુવકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ બનાવ અંગે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.