રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોકની ‘હેટ્રિક’ફટકારી: કુખ્યાત ‘બાટલીગેંગ’ને ગુજસીટોક હેઠળશીશા’માં ઉતારાઈ
રાજકોટમાં ગુનાખોરી અને તેમાં પણ ખાસ કરીને એક બાદ એક ગેંગ બનવાનું શરૂ થઈ ગયું હોય પોલીસ દ્વારા આ દિશામાં કડક હાથે કામ લેવાનું શરૂ કરતાં જ ટપોરીઓમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અગાઉ સામસામું ફાયરિંગ કરવા ઉપરાંત અનેક ગુનામાં સંડોવાયેલી પેંડા અને મરઘાગેંગ સામે ગુજસીટોકનું હથિયાર ઉગામી એક સાથે અનેક લોકોને જેલમાં ધકેલી દીધા બાદ હવે ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત `બાટલીગેંગ’ને `શીશા’માં ઉતારી ગુજસીટોકની `હેટ્રિક’ ફટકારવામાં આવી હતી.
પાછલા દસ વર્ષની અંદર `બાટલીગેંગ’ દ્વારા પોલીસ ઉપર હુમલા, અન્ય ગેંગ સાથે ધીંગાણા, લૂંટ, ડ્રગ્સની હેરાફેરી, ચોરી સહિતના 34 ગુના આચરવામાં આવ્યા હતા. આ ગેંગના ટપોરીઓ ગુનો કરતા ક્ષણભરનો વિચાર કરતા ન હોય આખરે ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ દરખાસ્ત તૈયાર કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ બી.બી.બસીયા, પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવ સહિતની ટીમે આ ગેંગના નવ શખસોને પકડી લેવામાં આવ્યા હતા જ્યારે સાવન ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા હાલ પાસા હેઠળ વડોદરા જેલમાં હોય તેનો ત્યાંથી કબજો મેળવી ધરપકડ કરવામાં આવશે. જ્યારે ગેરકાયદેસર વસાવેલી મિલકતો પણ ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ગુનાની તપાસ ઉત્તર વિભાગના એસીપી વી.બી.જાડેજાને સોંપવામાં આવી હતી.
કોની સામે ગુજસીટોકનો ગુનો ?
- સરફરાઝ ઉર્ફે ઈડો આરીફભાઈ કાદરી (રહે.રૂખડિયાપરા)
- કમલેશ ઉર્ફે લાલુ કાળુભાશ પરમાર (રહે.જામનગર રોડ વાલ્મીકિવાડી)
- સમીર ઉર્ફે ધમો બસીરભાઈ શેખ (રહે.રૂખડિયાપરા)
- ઈશોભા રિઝવાન દલ (રહે.હુડકો ક્વાર્ટર)
- મીરખાન રહીશભાઈ દલ (રહે.હુડકો ક્વાર્ટર)
- અસલમ ઉર્ફે સર્કિટ બસીરભાઈ ોખ (રહે.રૂખડિયાપરા)
- સુલેમાન નિઝામભાઈ દલ (રહે.જંગલેશ્વર)
- ઈરફાન ખમીશાભાઈ ભાણુ (રહે.રૂખડિયાપરા)
- સાહિલ ઉર્ફે ભૂરો મુકેશભાઈ પાટડિયા (રહે.વાલ્મીકિ વાડી)
- સાવન ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા (રહે.વાલ્મીકિ વાડી)
આ પણ વાંચો :રાજકોટમાં વાયબ્રન્ટની 90% તૈયારી પૂર્ણ: PMનો કાર્યક્રમ જ્યાં થવાનો છે તે ડોમ ફાયર-વોટરપ્રુફ,150થી વધુ શ્રમિકોએ રાત-દિવસ એક કરી ડોમ બનાવ્યા
ગુનેગારો કાં ગુનાખોરી કાં તો રાજકોટ છોડે, દસ વર્ષમાં સાગરિતો સાથે મળી બે કે તેથી વધુ ગુના આચરનારા `રડાર’માંઃ એસીપી બસિયા
બે મહિનાની અંદર ત્રીજી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરનાર ક્રાઈમ બ્રાન્ચ એસીપી બી.બી.બસિયાએ ખોંખારો ખાઈને કહ્યું કે છેલ્લા દસ વર્ષની અંદર સાગરિતો સાથે મળી બે કે તેથી વધુ ગુના આચરનારા તમામ ગુનેગારો હાલ ક્રાઈમ બ્રાન્ચના `રડાર’ પર છે એટલા માટે કાં તો ગુનેગારો ગુનાખોરી છોડે કાં તો રાજકોટ છોડી દે અન્યથા ક્રાઈમ બ્રાન્ચ તેમને છોડશે નહીં !
શહેરની વધુ બે ગેંગ સામે ગુજસીટોક દાખલ કરાશે
એવી વિગત પણ જાણવા મળી હતી કે આગામી 11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવે તે પહેલાં મતલબ કે આ સપ્તાહમાં જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરની વધુ એક ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. આ ગેંગ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી ગુનાખોરી આચરવામાં માજા મુકવામાં આવી હોય હવે તેમનો `વારો’ લેવામાં આવશે અને ત્યારપછી પાંચમી ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
