રાજકોટ કલેકટરનું બુલડોઝર ચાલ્યું : માર્ચ મહિનામાં 37 દબાણ દૂર કરાયા, 4.68 લાખ ચો.મી. જમીન ખુલ્લી કરાઇ
માર્ચ મહિનામાં 37 દબાણો ખુલ્લાઃ ધોરાજીના ઉમરકોટમાં 3.23 લાખ ચો.મી. જમીન ખુલ્લી કરાઇ
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લામાં સરકારી જમીનો ઉપર ઘડાધડ બુલડોઝર ફરી રહ્યા છે ત્યારે માર્ચ મહિનામાં શહેર-જિલ્લામાં સત્તત બુલડોઝર એક્શન ચાલુ રાખી રેવન્યુ વિભાગે કરોડો રૂપિયાની કિંમતી 4.68 લાખ ચોરસમીટરથી વધુ જમીન ખુલ્લી કરાવી ઘૂણખોરોને શાનમાં સમજી જવા તાકીદ કરી દંડ ફટકાર્યા હતા.
રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીનને પૂર્વજોની મિલ્કત સમજી દબાણ કરી રહેલા દબાણકારો ઉપર તૂટી પડવા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આપેલ સુચનાને પગલે તમામ પ્રાંત અધિકારીઓ અને મામલતદાર દ્વારા દબાણ હટાવવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. માર્ચ મહિનામાં રાજકોટ શહેર અને જિલ્લાની જુદી-જુદી મામલતદાર કચેરીઓ દ્વારા દબાણ હટાવ કામગીરી કરી સરકારની માલિકીની 4,68,602 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી.
જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરીમાં ધોરાજી તાલુકો મોખરે રહ્યો હતો અહીં ઉમરકોટ ગામે વર્ષોથી ખેતી વિષયક દબાણ કરી લેનારા ૨૫ જેટલા અસામીઓના કબ્જામાંથી 3,23,748 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.