રાજકોટ : કલેકટર તંત્ર રૂ. 2 કરોડના ખર્ચે ખરીદશે લેપટોપ-કોમ્યુટર-પ્રિન્ટર, વિવિધ કચેરીઓમાં લગાવાશે 26 સ્માર્ટ TV
આજના સમયમાં મોટાભાગની સરકારી કામગીરી ઓનલાઇન બની છે ત્યારે આધુનિક ટેક્નોલોજી સાથે કદમ મિલાવવા રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાની વિવિધ પ્રાંત અને તાલુકા મામલતદાર કચેરી માટે મોટા પાયે ઈંફર્મેશન ટેક્નોલોજી આધારિત ખરીદી કરવા કાર્યવાહી શરૂ કરી છે જે અંતર્ગત બે કરોડ રૂપિયાના ખર્ચે કોમ્યુટર, લેપટોપ, સ્કેનર, પ્રિન્ટર, સીસીટીવી તેમજ કચેરીમાં રાખવા માટે સ્માર્ટ ટીવી ખરીદી માટે વર્કઓર્ડર આપી દીધા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના તાબા હેઠળ આવતી વિવિધ પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી માટે આઇટી એટલે કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના સાધનોની ખરીદી માટે કાર્યવાહી શરૂ કરી 37 મલ્ટીપ્રિન્ટર, 101 પ્રિન્ટર, 141 યુપીએસ, 265 સીસીટીવી, એક કરોડથી વધુના ખર્ચે 126 ડેસ્કટોપ કોમ્પ્યુટર, સ્કેનર, તેમજ 13.23 લાખના ખર્ચે 26 લેપટોપ ખરીદવા માટે વર્કઓર્ડર આપવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.નોંધનીય છે કે, હાલમાં જિલ્લા કલેકટર કચેરીના ફ્લડ કંટ્રોલરૂમમાં પણ ટીવીનો અભાવ છે ત્યારે આઇટી ખરીદીમાં રૂ.30 લાખના ખર્ચે 26 આધુનિક ટીવી ખરીદી કરવા પણ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ઈ-વેસ્ટ નિકાલમાં 16 કચેરીઓએ માહિતી જ રજૂ ન કરી
રાજકોટ જિલ્લામાં મહેસૂલીતંત્ર હસ્તકની તમામ 21 કચેરીમાં જુના કોમ્યુટર, પ્રિન્ટર, સ્કેનર સહિતના સાધનોને બદલે કરોડોના ખર્ચે નવા સાધનો ખરીદવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા તમામ કચેરીઓ માટે ઈ-વેસ્ટ નિકાલ માટે કમિટીની રચના કરી રિપોર્ટ માંગવામાં આવ્યો છે પરંતુ માત્ર રાજકોટ ગ્રામ્ય પ્રાંત, ગોંડલ પ્રાંત, ધોરાજી પ્રાંત, મામલતદાર ગોંડલ અને મામલતદાર ઉપલેટા દ્વારા જ ઈ-વેસ્ટ નિકાલ માટે રિપોર્ટ મોકલ્યો છે. જયારે 16 ક્ચેરીઓએ ઈ-વેસ્ટ નિકાલની કામગીરી જ કરી નથી જેમાં રાજકોટ સીટી-1 પ્રાંત, રાજકોટ સીટી-2 પ્રાંત તેમજ રાજકોટ, પડધરી, જામકંડોરણા, ધોરાજી, જેતપુર સીટી, ગ્રામ્ય, કોટડા સાંગાણી, લોધીકા, રાજકોટ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ સહિતની કચેરીઓએ માહિતી રજૂ ન કરી હોવાનું સામે આવ્યું છે.