રાજકોટ સિટી બસ અકસ્માત : ચાલક જ નહીં કોન્ટ્રાકટ એજન્સી-મનપાના અધિકારી સામે પણ ગુનો નોંધો : બ્રહ્મ સમાજની માંગ
રાજકોટમાં ચાર માનવ જિંદગીને હણી લેનાર રાજકોટ મહાપાલિકાની સિટી બસના ચાલક ઉપરાંત કોન્ટ્રાકટ એજન્સી તેમજ મહાપાલિકાના જે કોઈ અધિકારી, સ્ટાફની જવાબદારી હોય તે તમામ સામે પણ ગુનો નોંધવા બ્રહ્મ સમાજ દ્વારા માગણી ઉઠાવાઈ છે. પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરાશે.
અકસ્માતમાં ચિન્મય હર્ષદભાઈ ભટ્ટ નામના યુવકે પણ જીવ ગુમાવ્યો છે. યુવકના માતા-પિતાનું અગાઉ મૃત્યુ નિપજ્યું હતું. બે ભાઈ બહેન હાથીખાના-રમાં રહેતા હતા આજે ચિન્મયનુ પણ અકસ્માતમાં મૃત્યુ થતા એકની એક બહેન નોંધારી બની ગઈ છે. બ્રહ્મસમાજના યુવા અગ્રણીઓ તેજશ ત્રિવેદી, એડવોકેટ મૌનીશ જોષી, કશ્યપ ભટ્ટ સહિતના મૃતકના ઘરે દોડી ગયા હતા. દિલાસો આપ્યો હતો અને સ્મશાન યાત્રામાં જોડાયા હતા.
બ્રહ્મસમાજ અગ્રણીઓએ એવો બળાપો ઠાલવ્યો છે કે ખરેખર કોન્ટ્રાકટ એજન્સી અને મહાપાલિકાની જવાબદાર અધિકારી, ચેકિંગ ઓથોરીટી દ્વારા બસ ચાલકના ડોક્યુમેન્ટસ ચેક કરાયા હોત તો ચાલકનું ડ્રાઈવિંગ લાઈસન્સ બે માસ પૂર્વે એકસ્પાયર થઈ ગયાનું પકડાયું હોત. એજન્સી અને મહાપાલિકારના જે તે જવાબદારો બંને એ ઘોર બેદરકારી દાખવી હતી અને બસ ચાલક વગર લાઈસન્સે બે-બે માસથી રોજિંદા હજારો માનવ જિંદગીઓ પર યમદૂત જેવી બસ બેફામ સ્પિડે દોડાવતો હતો અને આજે ચારના જીવ જીનવાયા.
ટીઆરપી ગેમ ઝોનકાંડમાં જેમ મહાપાલિકાના ટી.પી. શાખા તેમજ ફાયર બ્રિગેડના અધિકારીઓ ને જવાબદાર ગણીને તેમની સામે ગુનો દાખલ કરાયો એવી જ રીતે બસ ચાલકને લાઇસન્સ વીના બસ દોડાવવા દેનાર કોન્ટ્રાકટ એજન્સી અને સિટી બસ સેવાનું સુપરવિઝન સંભાળતા મહાપાલિકાના અધિકારી કે ટીમ જવાબદાર કહેવાય તેથી તેઓને સામે પણ બસ ચાલકની તેમજ ટીઆરપી કાંડની માફક ગુના સાથે ધરપકડ કાનૂની કાર્યવાહી થવી જોઈએ.
બસ ચાલક સામે પોલીસ દ્વારા આજીવન કરાવાસની કલમનો ઉમેરો કરીને જે રીતે ગુનો નોંધ્યો છે એ જ રીતે તમામ જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે આવતીકાલે પોલીસ કમિશનરને બ્રહ્મસમાજ દ્વારા ચારેય મૃતકો વતી લેખિત રજૂઆત, આવેદન પત્ર સાથે કાર્યવાહી માટે માગણી કરવામાં આવશે.