MCXમાં ટેક્નિકલ ખામીથી રાજકોટની બુલિયન માર્કેટને ફટકો: 5 કલાકમાં 150 કિલો સોનુ અને 4 ટન ચાંદીનાં સોદા અટકી ગયા
MCX(મલ્ટી કોમોડિટી એક્સચેન્જ)માં મંગળવારે અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા રાજકોટમાં સોના અને ચાંદીનાં સોદા અટકી જતાં 5 કલાકમાં અંદાજે કરોડો રૂપિયાનું બુલિયન માર્કેટમાં નુકશાન થયું હતું તો કોમોડિટી માર્કેટમાં ભારે ખલેલ પહોચી હતી. ટેક્નિકલ ગરબડને કારણે રાજકોટમાં લગભગ પાંચ કલાક સુધી સોનાચાંદીના કરોડોના સોદા અટકી પડ્યા હતાં.
MCXની ટેક્નિકલ ખામીને કારણે સોના અને ચાંદીના વેપારમાં મોટી અડચણ આવી હતી. સવારે 9 વાગ્યાના નિયમિત વેપાર શરૂ થવાનો હતો, પરંતુ ટેક્નિકલ સમસ્યાને કારણે DR (ડિઝાસ્ટર રિકવરી) સાઇટ પરથી 1:25 વાગ્યે જ વેપાર શરૂ થયો. આ ખામીથી રાજકોટના વેપારીઓને કરોડો રૂપિયાના સોદા અટકી પડ્યા હતા અને ડિલિવરી બેઇઝ સોદાને બ્રેક લાગી ગઈ છે.
બુલિયનનાં ટ્રેડર્સનાં જણાવ્યાં અનુસાર રાજકોટની સોનીબજાર દેશની મહત્ત્વપુર્ણ માર્કેટ ગણાય છે ત્યારે ગઈકાલે ટ્રેડિંગ બંધ રહેતાં રાજકોટમાં 125 થી 150 કિલો સોનાનાં અને 3 થી 4 ટન ચાંદીનાં સોદાઓને બ્રેક લાગી જતાં કરોડોના વ્યવહારોને બ્રેક લાગી ગયા છે.બુલિયનનાં વેપારીઓનાં મત મુજબ સોના-ચાંદીનાં ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતાં,દિવાળી સમયે અને તહેવારો પુરા થયા બાદ બંને કિંમતી ધાતુનાં ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે જેને લીધે પણ MCXથોડી કલાકો બંધ રહ્યાનું અનુમાન છે.
રાજકોટના જ્વેલરી માર્કેટમાંથી મળતી માહિતી અનુસાર, આ ખામીથી લગભગ 75 કરોડથી વધુના સોદા અટક્યા હતા. આ ખામી MCX માટે વર્ષની બીજી મોટી સમસ્યા છે. જુલાઈ 2025માં પણ એક કલાકનો વિલંબ થયો હતો, જ્યારે ફેબ્રુઆરી 2024માં 4 કલાકની સસ્પેન્શન થઈ હતી.
