RAJKOT : બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદકો મારનાર ધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું સારવારમાં મોત
રાજકોટ શહેરના 80 ફુટ રોડ પર સત્યમપાર્કમાં રહેતી બહેનપણીના ઘરે જવાનું કહીને ઘરે નીકળ્યા બાદ બહેનપણીની બિલ્ડિંગના છઠ્ઠા માળેથી પડતું મૂકનાર ધોરણ 9 માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીનીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મૃતકના માતા-પિતા મહારાષ્ટ્ર વતનમાં ગયા હોય ત્યારે તેણી પાછળથી આ પગલું ભરી લીધું હતું.
આ અંગેની વિગતો મુજબ, સત્યમ પાર્ક-2માં રહેતી અશ્વીની સંતોષભાઈ બાબર (ઉ.વ.15) રવિવારે સાંજે ઘરેથી નજીકમાં સત્યમ્ પેલેસ-2 માં રહેતી બહેનપણીના ઘરે જઈ રહી છે તેવું તેના ભાઈને કહીને નીકળી હતી.
ઘરેથી નિકળ્યાની થોડીક જ વારમાં અશ્વીનીએ બહેનપણી જ્યાં રહે તે બિલ્ડિંગની છત પરથી કૂદકો મારી લીધો હતો. ઘટના અંગે જાણ થતાં જ આજુબાજુ રહેતા લોકો અને અશ્વિનીનો ભાઈ દોડી જઇ ઇજાગ્રસ્ત હાલતમાં તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જો કે અહીં તેણીએ દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.
આ પણ વાંચો :ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ ગમે ત્યારે થશે : સુરેન્દ્રનગર SPના માર્ગદર્શન હેઠળ સીટની ટીમને સાથે રાખી કાર્યવાહી
પરિવાર પાસેથી જાણવા મળ્યા મુજબ, અશ્વિની મુરલીધર સ્કૂલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી હતી. બે ભાઈ એક બહેનમાં નાની હતી. પરિવાર મૂળ મહારાષ્ટ્રનો વતની છે પિતા સંતોષભાઈ ચાંદી કામ કરી છે.
તેણીના માતા-પિતા વ્યવહારિક કામ સબબ વતનમાં ગયા હોય ત્યારે પાછળથી તેણીએ આ પગલું ભરી લીધું હતું. ત્યારે સગીરાએ ક્યાં કારણસર આ આત્મઘાતી પગલું ભર્યું તે અંગે થોરાળા પોલીસ મથકના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.
