રાજકોટ : હોસ્પિટલમાં હાઉસકીપર તરીકે નોકરી કરતી પરિણીતાને માલામાલ કરી દેવાની લાલચ આપી 7 વખત આચર્યું દુષ્કર્મ
હોસ્પિટલમાં હાઉસકિપર તરીકે નોકરી કરતી પરિણીતાને નાનામવા ચાર રસ્તે ચાની લારી ધરાવતાં અને રિક્ષા ચલાવતાં શખ્સે ફસાવી શિયળ લૂંટ્યું
નાનામવા ચાર રસ્તા ઉપર ચાની લારી ધરાવતાં અને રિક્ષા ચલાવતાં શખ્સે પરિણીતાને માલામાલ કરી દેવાની લાલચ આપી સાત વખત દુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
આ અંગે મોટામવામાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં હાઉસકિપર તરીકે નોકરી કરતી મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે 2024ના વર્ષમાં તે પતિ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી અને સ્કૂટર લઈને નોકરીએ જતી હતી. આ વેળાએ નાનામવા ચાર રસ્તા ઉપર ચાની લારી ધરાવતો રાજુ બાંભવા તેની રિક્ષા લઈને પરિણીતા પાછળ આવ્યો હતો. બીગબજાર ચાર રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ બંધ હોય પરિણીતાએ પોતાનું સ્કૂટર ઉભું રાખતાં જ રાજુએ તેને મોબાઈલ નંબર લખેલી ચઠ્ઠી આપી ફોન કરવા કહ્યું હતું.
જો કે પરિણીતાએ ફોન ન કરતાં બીજા દિવસે પણ રાજુ તેની પાછળ ગયો હતો અને હોસ્પિટલ સુધી પાછળ આવતાં કંટાળીને પરિણીતાએ રાજુને ફોન કરતાં તેણે કહ્યું હતું કે તે પરિણીતાને પ્રેમ કરે છે. આ સાંભળી પરિણીતાએ કહ્યું કે તે પરિણીત છે અને બે સંતાનની માતા છે. જો કે રાજુ માન્યો ન્હોતો અને પરિણીતાને ધમકી આપી હતી કે તે તેના ઘેર આવીને પતિને કહી દેશે કે તે રાજુ સાથે ફોન પર વાત કરે છે.
આ પછી પરિણીતા રાજુ બાંભવાને મળતાં તે તેને રિક્ષામાં બેસાડી બસ સ્ટેન્ડ તરફ લઈ ગયો હતો અને ત્યાં સોનાના દાગીના અને ફ્લેટ અપાવવાની લાલચ આપી હતી સાથે સાથે કહ્યું હતું કે જો પરિણીતા તેને મળવાનહીં આવે તો તેને બદનામ કરી નાખશે અને મળવા આવશે તો માલામાલ કરી દેશે !
આ બધું બન્યાના દસ દિવસ બાદ ફરી રાજુ બાંભવા પરિણીતાને મળ્યો હતો અને રિક્ષામાં બેસાડી રાજનગર ચોકમાં એક વૃદ્ધ દંપતિના ઘરમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. ચાર દિવસ બાદ ફરી રાજુએ એ જ મકાનમાં શરીરસંબંધ બાંધ્યો હતો. આટલું ઓછું હોય તેમ વધુ ચારેક વખત રાત્રીના સમયે અવાવરું સ્થળે લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું તો એક વખત બસ સ્ટેન્ડ પાછળ આવેલા ગેસ્ટ હાઉસમાં પણ શરીરસંબંધ બાંધ્યો હતો.
પરિણીતાએ રાજુ સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને તેનો મોબાઈલ પતિને આપી દેતાં પતિએ ફોન ચેક કરતાં સમગ્ર મામલો બહાર આવતાં આખરે આ મામલે પરિણીતાએ રાજુ બાંભવા સામે ફરિયાદ નોંધાવી હતી.